Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

  • ગામના પટેલ તરીકે ઓળખાતા દલાલો દ્વારા જ ઉપજની જે કિંમત નક્કી થતી તે પ્રમાણે જ મહેસૂલ ઉઘરાવવાનું, પરિણામે પોર્ટુગીઝ સરકાર અને કરદાતા વચ્‍ચે સીધો સંપર્ક ન રહ્યો
  • તે સમયે પોર્ટુગીઝોનો ઈસ્‍ટ આફ્રિકા સાથે મોટો વેપાર હતો, દમણમાંથી મોટા પાયા પર કપાસની નિર્યાત થતી અને કરાંચી બંદરેથી મુખ્‍યત્‍વે અફીણની આયાત થતી
  • ઈ.સ.1860માં મુંબઈથી વડોદરા રેલવે લાઈન શરૂ થઈ ત્‍યારે લિસ્‍બને અંગ્રેજી સરકારની પાછળ પડીને દમણથી શક્‍ય તેટલી નજીક રેલવે લાઈન નંખાવી પરંતુ લિસ્‍બન સરકારનો આ પ્રયત્‍ન પણ અલ્‍પજીવી જ રહ્યો, મુત્‍સદ્દી અંગ્રેજ સરકાર દમણને રેલવેની સગવડ આપીને તેનું મહત્ત્વ ફરીથી વધારવા ઇચ્‍છતી ન હતી

(..ગતાંકથી ચાલુ)

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી. ગામના પટેલ તરીકે ઓળખાતા આ દલાલો દ્વારા જ ઉપજની જે કિંમત નક્કી થતી તે પ્રમાણે જ મહેસૂલ ઉઘરાવવાનું. પરિણામે પોર્ટુગીઝ સરકાર અને કરદાતા વચ્‍ચે સીધો સંપર્ક ન રહ્યો. ધીમે ધીમે સ્‍વાર્થી પટેલોઅને જમીનદારો ખેડૂતોનું ખૂબ શોષણ કરવા લાગ્‍યા. પરંતુ પોર્ટુગીઝ સરકારને માત્ર જમીન મહેસૂલ અને જંગલ સંપત્તિમાં જ રસ હોવાથી સામાન્‍ય ખેડૂત વર્ગ કે મજૂરોના હિતની કોઈ ચિંતા કરી નહીં કે આ પ્રદેશના વિકાસ તરફ પણ કોઈ ધ્‍યાન આપ્‍યું નહીં.
આ પ્રદેશ દુલર્ક્ષિત થવાનું બીજું પણ એક કારણ હતું. તે સમયે પોર્ટુગીઝોનો ઇસ્‍ટ આફ્રિકા સાથે મોટો વેપાર હતો. દમણમાંથી મોટા પાયા પર કપાસની નિર્યાત થતી અને કરાંચી બંદરેથી મુખ્‍યત્‍વે અફીણની આયાત થતી. સરકારનું બધું ધ્‍યાન આ વેપારમાંથી થતી આવક પર જ કેન્‍દ્રિત રહેતું. આ વેપાર પર સરકારનું નિયંત્રણ હતું. છતાં કેટલોક ખાનગી વ્‍યવહાર પણ ચાલતો. પગારની આવક ઓછી રહેવાથી ખલાસીઓ તથા તેમના અધિકારીઓ પણ આવા વ્‍યવહારમાંથી મળતી આવક પર જ આધાર રાખતા. નગર હવેલીમાં આવા કોઈ વ્‍યવહારની શક્‍યતા ન હોવાથી ઉપરી અધિકારીઓ દમણમાં જ રહેવાનું પસંદ કરતા અને ક્‍યારેક જ નગર હવેલીની મુલાકાત લેતા.
દરમિયાન ફ્રેંચ રાજ્‍યક્રાંતિનો પડઘો સ્‍પેન અને પોર્ટુગલમાં પણ પડયો અને મુઠ્ઠીભર લોકોના હાથમાં રહેલી સત્તા ઈ.સ. 1820માં પોર્ટુગલની સંસદના હાથમાં આવી. પરિણામે ગોવાના લોકોને પણ પોતાનો પ્રતિનિધિ પોર્ટુગલની સંસદમાં મોકલવાની તક પ્રાપ્ત થઈ. ગોવામાં સ્‍થાયી થયેલા ગોરાલોકોએ રાજકીય સત્તા અને સૈન્‍યબળનો ઉપયોગ કરીને ચૂંટણીમાં ઘણી ગેરરીતિ આચરી, છતાં તેમનો ઉમેદવાર ગોવાના સ્‍થાનિક ડૉક્‍ટર બર્નાડો પેરેસ-ડી-સિલ્‍વા સામે ઈ.સ. 1822 થી 1832 સુધી સતત હારતો રહ્યો. બર્નાડો ડી-સિલ્‍વા પોર્ટુગલમાં સ્‍વાતંત્ર્ય સેનાનીઓ તરફથી લડયો હતો. પોર્ટુગીઝ સૈન્‍યમાં સેવા આપતો તેનો પુત્ર રાજકુમાર રીજન્‍ટ પેડ્રોનો અનુયાયી હતો, તેમ જ તેર બેટોમાંથી એક જૂથ બનેલા સ્‍વાતંત્ર્ય સેનાનીઓએ 1834માં પોર્ટુગલ સામે લડત આપીને જે વિજય મેળવ્‍યો હતો તેમાં પણ તેનો મોટો ફાળો હતો. તે જ અરસામાં રાજકુમાર પેડ્રોએ બર્નાડો પેરેસ ડી-સિલ્‍વાની પોર્ટુગીઝ રાજ્‍યના ભારતમાંના સર્વોચ્‍ચ અધિકારી તરીકે નિમણૂક કરી. આ સ્‍થાન તે સમયના વાઈસરૉયની સમકક્ષ હતું. પરંતુ ગોવામાં રહેતા પોર્ટુગીઝ અને અન્‍ય યુરોપીય લોકોને આ બાબત માન્‍ય ન હતી. બર્નાડો-ડી-સિલ્‍વાએ પદગ્રહણ કર્યા પછી 18મા દિવસે જ તેમણે બળવો કરીને તેને કેદ કર્યો. તેના અનુયાયીઓ પણ લશ્‍કરી તાકાત સામે કંઈ કરી શક્‍યા નહીં. તેથી બનાર્ડો-ડી-પેરેસને નાસી જઈને અંગ્રેજોના આધિપત્‍ય હેઠળના ભારતીય પ્રદેશમાં આશ્રય લેવો પડયો. અંગ્રેજોની સહાય મેળવીને થોડા જ સમયમાં તેણે પોતાના અનુયાયીઓની મદદથી દીવ અને દમણમાં પોતાનું રાજ્‍ય સ્‍થાપ્‍યું. સ્‍વાભાવિક રીતે જઅંગ્રેજોએ તેને તત્‍કાળ માન્‍યતા આપી. બે વર્ષમાં જ તેમણે દમણ અને દાદરા નગર હવેલીનું સાર્વભૌમત્‍વ ઘોષિત કર્યું તથા ગોવાથી નાસીને બેલગામ, ધારવાડ અને મુંબઈમાં ભૂમિગત રહેલા પોતાના જૂના સૈનિકોને એકત્ર કરીને ગોવાના પોર્ટુગીઝો સામે યુદ્ધ આદર્યું. ડચ અને અંગ્રેજોની મદદથી ડૉ. ડી. સિલ્‍વાએ પાંચ યુદ્ધ જહાજો ધરાવતું નૌકાદળ પણ ઉભું કર્યું. તેનો કપ્તાન એડમિરલ હિબ્રુ હતો તથા તેના ખલાસીઓ દમણ, રત્‍નાગિરી અને મુંબઈના હતા. આ નાનકડું નૌકાદળ ગોવાને જીતવા માટે મોકલવામાં આવ્‍યું, પરંતુ દુર્ભાગ્‍યે અધવચ્‍ચે નડેલા ભયંકર દરિયાઈ તોફાનમાં આ પાંચેય જહાજોએ જળસમાધિ લીધી અને ડી-સિલ્‍વાને કેદ કરીને લિસ્‍બન રવાના કરી દીધો. આમ દમણ અને દાદરા નગર હવેલીનું સ્‍વાતંત્ર્ય અલ્‍પાયુષી રહ્યું.
ઈ.સ. 1838માં બ્રિટિશ ઈસ્‍ટ ઇંડિયા કંપનીએ કરાંચી બંદર પર કબજો મેળવ્‍યા પછી પોર્ટુગીઝ અને અંગ્રેજો વચ્‍ચે બ્રિટન, પોર્ટુગલ અને સ્‍પેનમાંથી થતી આયાત નિર્યાત માટે સ્‍પર્ધા શરૂ થઈ. કરાંચી બંદર અંગ્રેજોના હાથમાં જતાં સૌથી વધુ આવક મેળવી આપતી અફીણની નિર્યાત અટકી જવાથી દમણ અને પર્યાયે પોર્ટુગીઝો માટે મોટો અવરોધ ઉભો થયો. જે વેપારમાંથી હજારો સ્‍થાનિક લોકોને રોજગાર મળતો હતો તે આ રીતેત બંધ પડવાથી સ્‍થાનિક લોકોનું અન્‍યપ્રદેશોમાં સ્‍થળાંતર શરૂ થયું. દમણ ખરેખર તો મલબાર કિનારા પરનું એક ઉત્‍કૃષ્‍ટ બંદર હતું. ત્‍યાં માલ ચઢાવવાનો અને ઉતારવાનો ખર્ચ ખૂબ ઓછો રહેતો. વળી દરેક મોસમમાં તે સુરક્ષિત હતું. વિશેષ કરીને ચોમાસામાં તો અનેક જહાજો એ બંદરનો આશ્રય લેતાં. પરંતુ ઈસ્‍ટ ઇંડિયા કંપનીએ મુંબઈ, કરાંચી, અને કંઈક અંશે સુરતનાં બંદરો વિકસાવતાં દમણનું મહત્ત્વ ધીમે ધીમે ઓછું થતું ગયું.
ઈ.સ.1860માં મુંબઈથી વડોદરા રેલવે લાઈન શરૂ થઈ ત્‍યારે લિસ્‍બને અંગ્રેજી સરકારની પાછળ પડીને દમણથી શક્‍ય તેટલી નજીક રેલવે લાઈન નંખાવી. પરંતુ લિસ્‍બન સરકારનો આ પ્રયત્‍ન પણ અલ્‍પજીવી જ રહ્યો. મુત્‍સદ્દી અંગ્રેજ સરકાર દમણને રેલવેની સગવડ આપીને તેનું મહત્ત્વ ફરીથી વધારવા ઇચ્‍છતી ન હતી. અત્‍યાર સુધીમાં સુરત બંદર પણ લગભગ નિરુપયોગી થઈ ગયું હતું. મુંબઈ બંદર આયાત-નિર્યાતનો સંપૂર્ણ ભાર ઉઠાવવા માટે સક્ષમ હોવાથી અંગ્રેજ સરકારે મુંબઈ અને કરાંચી બંદરના વિકાસ તરફ જ બધું ધ્‍યાન કેંદ્રિત કરીને દમણ બંદર અને દાદરા નગર હવેલીની પીછેહઠ કરાવી.
બીજી બાજુ પહેલાં ઉલ્લેખ થયા પ્રમાણે પટેલો અને જમીનદારોને મહેસૂલ ઉઘરાવવાની સ્‍વતંત્રતા મળેલી હોવાથી તેમણે મજૂર અને કરદાતાઓનું શોષણ ચાલુ રાખ્‍યું હતું. સ્‍વાર્થી પટેલો અને જમીનદારોએ પોતાનીઆવક વધારવામાં કોઈ કસર છોડી નહીં. નક્કી કરાયેલું મહેસૂલ ભરી ન શકનારા ખેડૂતો પાસેથી તેમની જમીન આંચકી લેવામાં આવતી. મહેસૂલ ઉપરાંત પણ અનાજ, બળતણ વગેરેની માગણી કરતા રહીને મામૂલી કારણસર પણ ખેડૂતો અને મજૂરોને દંડ કરવામાં આવતો. આ બધાનું પરિણામ એ આવ્‍યું કે 1859માં જ્‍યારે દુકાળ પડયો ત્‍યારે બધા જ ખેડૂતો અને મજૂરો ઘરબાર છોડીને જતા રહ્યા અને આખો પ્રદેશ ખેડયા વિનાનો વેરાન બની ગયો.
આના એકાદ વર્ષ પહેલાં એટલે 1857-58માં ભારતીયોએ અંગ્રેજો વિરૂદ્ધ સ્‍વાતંત્ર્ય સંગ્રામ શરૂ કર્યો. અનેક કારણોસર તેમાં સફળતા મળી નહીં, પરંતુ તેનું મુખ્‍ય પરિણામ એ આવ્‍યું કે ઈસ્‍ટ – ઇંડિયા કંપનીને બરખાસ્‍ત કરીને ભારતમાં બ્રિટિશ સરકારના શાસનની સ્‍થાપના થતાં અનેક અન્‍યાયકારક નિયમો લાગુ કરવામાં આવ્‍યા.
પોર્ટુગીઝ સરકારને આ બધી માહિતી ગોવાના ગવર્નર તરફથી મળી. તેમણે પણ ગોવામાં પોર્ટુગીઝ સરકારની સ્‍થાપના કરી. પટેલ અને જમીનદારોના મહેસૂલ ઉઘરાવવાના હક્કો રદ કરવામાં આવ્‍યા. સરકારના 1870ના હુકમ નં.38 અન્‍વયે નગર હવેલીના જ્‍યેષ્‍ઠ પટેલ, એક સ્‍થાનિક અધિકારી અને ગોવાની સમિતિનો એક સભ્‍ય એમ ત્રિસદસ્‍યીય સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ દ્વારા જમીનનના માલિકી હક્કો અને પ્રતવારીના કાર્યમાં ઘણીસુધારણા કરવામાં આવી. ઈ.સ.1878માં આ પ્રકારની અન્‍ય એક સમિતિની રચના કરવામાં આવી. પહેલી સમિતિએ કરેલાં કાર્યોમાં સુધારણા કરીને આ નવી સમિતિએ બિનઉપજાઉ જમીન અને જંગલોની મોજણી કરીને દરેક ગામનો અદ્યયાવત દસ્‍તાવેજ તૈયાર કર્યો.
ઈ.સ. 1886માં પ્રકાશિત થયેલા ‘પોર્ટુગીઝોનું ભારત’ ભારત પુસ્‍તકમાં ખેતી તજજ્ઞ શ્રી મેંડિસે નોંધ્‍યું છે કે ‘આ રીતે દમણના એકંદર મહેસૂલમાંથી તે તૃતીયાંશ મહેસૂલ દાદરા નગર હવેલીમાંથી મળવા લાગ્‍યું. રોજબરોજની જરૂરિયાતની પ્રત્‍યેક વસ્‍તુ નગર હવેલીમાંથી જ દમણમાં આવતી.’ તે આગળ નોંધે છે કે, ‘આમ છતાં આ પ્રદેશ નૈતિક સુધારા અને કાયદાકાનૂનથી દૂર જ રહ્યો.’ આ બન્ને સમિતિના કામકાજની માહિતી દાદરા નગર હવેલી નગરપ્રશાસનની તવારીખમાં નોંધાયેલી છે. ઉપરોક્‍ત માહિતી ઈ.સ. 1885થી 1890 સુધી નિયુક્‍ત ગવર્નર જૈન પરેશ ડી સેંપિઓ, ફોર્ઝા ડી ડરપાપી મેટલના પોર્ટુગીઝ ભાષામાં લખાયેલા પુસ્‍તકમાંથી મળી રહે છે.
5 ઓક્‍ટોબર 1910ના દિવસે પોર્ટુગલ લોકશાહી દેશ બન્‍યો અને તેની કાયાપલટ થઈ. તેનો પડઘો પોર્ટુગીઝોના તાબા હેઠળના ભારતીય પ્રદેશો પર પડયો. અને અહીં પણ નવા અધ્‍યાયનો આરંભ થયો. 27 જુલાઈ 1917ના દિવસે જાહેર થયેલા નવા પ્રશાસન અનુસાર ‘એસ્‍ટાડો-ડા-ઇંડિયા’ લિસ્‍બનનાઆધિપત્‍ય હેઠળ આવ્‍યો અને સ્‍વાયત્ત પોર્ટુગીઝ ઇંડિયાની સ્‍થાપના થઈ. 1920માં એક કારોબારી નીમવામાં આવી જે ‘કોન્‍સલ્‍હો-ડી-ગવર્નો’ નામથી ઓળખાતી. સાલાઝારની આપખુદશાહીની શરૂઆતમાં 28 મે 1926 સુધી આ કારોબારી અસ્‍તિત્‍વમાં હતી. (સંદર્ભઃ ‘આજનો અને ગઈકાલનો ગોમાંતક)
ઈ.સ.1920 થી 1926 દરમિયાન ગોવાના લોકોમાં જાગૃતિ આવી. તે સાથે જ ભારતમાં ચાલી રહેલી સુધારણાવાદી ચળવળોની અસર પણ ત્‍યાં થવા લાગી. આ અસરમાંથી દાદરા અને નગર હવેલી પણ મુક્‍ત રહી શક્‍યાં નહીં.

(ક્રમશઃ)

Related posts

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022 : મધ્‍યપ્રદેશમાં ભાગ લેવા વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નામાંકન માટે જિલ્લા સ્‍તરીય પસંદગીનું કરાયેલું આયોજન

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

vartmanpravah

Leave a Comment