Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નગર હવેલી પર ચઢાઈ

(…ગતાંકથી ચાલુ)
દાદરા સામ્‍યવાદીઓના હાથમાં ગયા પછી રાજા વાકણકર, વિશ્વનાથ લવંદે વગેરે રાજ્‍ય અનામતદળના પોલીસ અધિકારી શ્રી નગરવાલાને મળ્‍યા. વામન દેસાઈના સામ્‍યવાદી જૂથને તમે દાદરામાં પ્રવેશ કરવા દીધો અને અમને નગર હવેલીમાં પ્રવેશ કરતાં અટકાવો છો, તથા બંદૂરક ચલાવવાની વાત કરો છો, એમ કેમ, એવો જવાબ માગ્‍યો. શ્રી નગરવાલાએ આ વિષયમાં શ્રી મોરારજીભાઈનો સંપર્ક કર્યો ત્‍યારે તેમના તરફથી નગર હવેલીમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી. તેમણે જે સંદેશો મોકલ્‍યો તેમાં એમ પણ કહ્યું કે સામ્‍યવાદીઓને દૂર રાખવા માટે અન્‍ય જે સંગઠનો આ પ્રયત્‍ન કરતા હોય તેમને સહાય કરવી ઉચિત થશે. ત્‍યારબાદ નગરવાલા અને અન્‍ય પોલીસોનું વલણ પણ ઘણું અનુラકૂળ થઈ રહ્યું. તેમ જ સ્‍થાનિક નાગરિકો પણ સમગ્ર અભિયાન દરમિયાન અનેક રીતે ઉપયોગી અને સહાયક બની રહ્યા. શ્રી મોરારજીભાઈ તેમની આત્‍મકથામાં લખે છે, ‘‘ભારત સ્‍વતંત્ર થયા પછી એક જ વર્ષમાં ભારતીય સામ્‍યવાદી પક્ષે અનેક સ્‍થળે બળવા જેવી સ્‍થિતિ ઉભી કરી હતી. દાદરા નગર હવેલીમાં પણ એવી જ સ્‍થિતિ નિર્માણ થવાનો ભય મનેદેખાતો હતો. આ દરમિયાન કેટલાક સત્‍યાગ્રહી લોકોએ મારો સંપર્ક કર્યો અને નગર હવેલીમાં પ્રવેશ કરવાની પરવાનગી માગી. સામ્‍યવાદીઓનું સંકટ ધ્‍યાનમાં લઈને મેં તે પરવાનગી આપી.”
આ સમય દરમિયાન વાકણકરે સુધીર ફડકેને તેમની મશીનગન લાવવા માટે પુણે મોકલ્‍યા હતા. દાદરા મુક્‍તિની ઘટના ઘટી ગઈ હતી. સાથે જ કુદરત પણ તેનો ભાગ ભજવી રહી હતી. આ સમય જુલાઈ મહિનાના અંતનો હતો. બધે જ વરસાદનું પ્રમાણ વધુ હતું. નાના મોટા વહેળા, ગરનાળાં, છલકાઈ ગયેલાં હતાં. પાણીનું વહેણ ઘણું પ્રબળ હતું. સ્‍વાતંત્ર્ય સૈનિકો, પોર્ટુગીઝ પોલીસ તેમ જ નગરવાલાના રાજ્‍ય અનામતદળના જવાનો બધા જ આ મૂશળધાર વરસાદને કારણે પરેશાન હતા. પ્રવેશની પરવાનગી મળવાથી રાજા વાકણકર નગર હવેલીની વાયવ્‍ય દિશાએ પોતાના સહયોગીઓ સાથે તકની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે ગોદાવરી પરુળેકર તેમના સાથીઓ તથા થોડા વારલી લોકોને સાથે લઈને નૈઋત્‍ય દિશામાં ઉધવા પાસે ચઢાઈની તૈયારી કરી રહ્યાં હતાં તે વાત શ્રી નગરવાલાના ધ્‍યાનમાં આવતાં જ તેમણે શ્રી વાકણકરની મુલાકાત લીધી અને નગર હવેલી વિષે ચર્ચા કરી. શ્રી મોરારજી દેસાઈએ પ્રવેશની સંમતિ આપતી વખતે કોઈ લોકો પ્રવેશની પરવાનગી માગતા હોય તો આપવી એવી સૂચના આપી હતી. પરંતુ પ્રત્‍યક્ષ પ્રવેશઆપવાની વાત આવી ત્‍યારે નવો જ મુદ્દો આગળ આવ્‍યો. રાજા વાકણકર અને તેમના સાથીઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના કાર્યકર્તા હતા. શ્રી નગરવાલા તરફથી એવી સ્‍પષ્‍ટ સૂચના થઈ કે આ કાર્યકર્તાઓ જો સંઘના સ્‍વયંસેવક તરીકે જવાના હશે તો તેમને પરવાનગી આપી શકાય નહીં. પરંતુ જો વ્‍યક્‍તિગત સત્‍યાગ્રહી તરીકે જવા તૈયાર હોય તો તેમને રોકવામાં આવશે નહીં. શ્રી નગરવાલાને આઝાદ ગોમાંતક દળ સામે વાંધો ન હતો પણ સંઘના નામ સામે હતો. પરંતુ સંઘનું માત્ર નામ છોડવાથી જ વિદેશીઓના હાથમાંથી માતૃભૂમિ મુક્‍ત કરવાની તક મળે છે એ વિચારથી શ્રી વાકણકરે તરત જ એ વાત સ્‍વીકારી લીધી અને આગળની તૈયારી આરંભી.
સૌ પ્રથમ તેમણે આગલી હરોળ સાચવનારા દસ જણાને તાર કરીને નગર હવેલી પહોંચવાની સૂચના આપી. તે પ્રમાણે સર્વશ્રી રમણ ગુજર, પિલાજી જાધવ, વિષ્‍ણુ કાંબળે, ધનાજી મુરગળે, શરદ મુંગી તથા વસંત ઝાઝલ દિ. 25 જુલાઈના રોજ પુણેથી નીકળીને રેલવે દ્વારા વાપી પહોંચ્‍યા. તે સમયે મધરાત થઈ ગઈ હતી. ત્‍યાંથી પોલીસ ખાતા તરફથી મોકલવામાં આવેલી ગાડીમાં બધા કરંબેળે ગામના ચિંતેશ્વર મહાદેવના મંદિરમાં પહોંચ્‍યા. ગોવાથી આવેલા પ્રભાકર સિનારી તેમના સાથીઓ સાથે પહેલાં જ પહોંચી ગયા હતા.
બે દિવસ વિચાર વિનિમય અને અન્‍ય તૈયારીમાં વીત્‍યાપછી 29 જુલાઈના રોજ જે દળ આગળ વધ્‍યું તેમાં સર્વશ્રી રાજા વાકણકર, વિષ્‍ણુપંત ભોપળે, શામરાવ લાડ, નાના કાજરેકર, વસંત ઝાઝલે, પિલાજી જાધવ, શરદ મુંગી ત્ર્યંબક ભટ્ટ, અનંત થળી, પ્રભાકર સિનારી, રોજી ફર્નાન્‍ડિઝ, રમણ ગુજર, શરદ જોષી, બચુભાઈ, ગજુભાઈ, વજુભાઈ, વિશ્વનાથ વરવણે, ગજાનન ભટ્ટ, મોહન રાનડે, વાસુદેવ ભીડે, શાંતારામ વૈદ્ય, વગેરેનો સમાવેશ થયો હતો.
આ લોકો કરંબેળેથી નીકળ્‍યા ત્‍યારે સવારના લગભગ સાડાચારનો સમય હતો. તેમને માટે નગર હવેલીનું સૌથી નજીકનું થાણું નરોલી હતું. કરંબેળે છોડયા પછી તરત જ નગર હવેલીની હદ શરૂ થતી હતી. ત્‍યાંના અનામત દળના જવાનો આ લોકોને અટકાવવા માટે પૂરતા સજ્જ ન હતા તેથી નગર હવેલીનો તેમનો પ્રવેશ સરળ રહ્યો. અંધારૂં, વરસાદ અને કાદવમાં બે કિ.મી. જેટલું અંતર કાપ્‍યા પછી દમણગંગાની એક દારૂઠા નામની ઉપનદી વચ્‍ચે આવી. તેનો પટ તો 30 ફૂટ જેટલો જ હતો પણ તેના પાણીનું વહેણ ઘણું ભારે હતું. છતાં બધા જ તેમાં કૂદી પડયા.
તેમણે નરોલીમાં પ્રવેશ કર્યો ત્‍યારે સવારના સાત વાગ્‍યા હતા. નરોલીની ચોકીમાં આઠથી દસ સશષા પોલીસ અને દોઢસો જેટલી બુલેટની ગોળીઓ હોય તેવો અંદાજ હતો. નરોલીના શ્રી ગુમાનસિંહ સોલંકી નામના ગૃહસ્‍થ સાથે રાજા વાકણકરનો પૂર્વ પરિચય હતો. આ કાર્યમાં પણતેમનો સહયોગ હતો. તેમને બધી સૂચના પહેલાં જ પહોંચી ગઈ હતી. ત્‍યાં પહોંચતાં જ વાકણકરે પિલાજી જાધવને બધી ટેલીફોન લાઈન કાપી નાખવાની સૂચના આપી. અને પાંચ જ મિનિટમાં એ કામ થઈ પણ ગયું. ચોકી પર પહોંચ્‍યા પછી વાકણકરે કાર્યકર્તાઓની રચના કરી. નરોલી ચોકીના દરવાજામાંથી કે ત્રણ બારીઓમાંથી કોઈ વ્‍યક્‍તિ કે તેનું કોઈ અંગ દેખાય તો તરત જ ગોળીબાર કરવાની સૂચના આપી. મુખ્‍ય દરવાજાને નિશાન બનાવીને પ્રભાકર સિનારી અને વિષ્‍ણુપંત ભોપળેને ભારે હુમલો કરવાનું કહ્યું.

(ક્રમશઃ)

Related posts

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

vartmanpravah

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

Leave a Comment