April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

વલસાડ જિલ્લામાં મહિને 180થી 200 જેટલા હૃદય રોગના
દર્દીઓની એન્‍જિયોપ્‍લાસ્‍ટી થાય છે
વર્ષ 2023ની થીમ પણ ‘‘Use heart, know heart” છે એટલે કે
તમારા હૃદયને જાણો અને કાળજી લો

વલસાડ સિવિલ હોસ્‍પિટલના તબીબે હાર્ટ એટેકના કારણો અને
તેનાથી બચવા માટેના ઉપાયો પણ સૂચવ્‍યા

(ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી)
વલસાડ, તા.28: વર્તમાન સમયમાં અત્‍યાધુનિક જીવનશૈલી અને સ્‍ટ્રેસના કારણે નાની ઉંમરમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. હૃદયના સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે લોકોને જાગૃત કરવા માટે વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે 29 સપ્‍ટેમ્‍બરને વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘‘Use heart, know heart” રાખવામાં આવી છે. એટલે કે તમારા હૃદયને જાણો, તેના વિશે લોકો સાથે વાત કરો, લોકોમાં જાગળતિ આવશે તો કાળજી રાખશે. પરંતુ બદલાતી જતી લાઈફ સ્‍ટાઈલની સાથે સાથે હાર્ટ એટેકના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને આજકાલ 25 થી 40 વર્ષની યુવા વયમાં જ હાર્ટ એટેકથી મોતના વધતા બનાવોએ બધાને હચમચાવી દીધા છે. ત્‍યારે વાત કરીએ વલસાડ જિલ્લાની તોવલસાડ જિલ્લામાં એક મહિનામાં અંદાજે 180 થી 200 જેટલી એન્‍જિયોપ્‍લાસ્‍ટી કરવામાં આવે છે. હાર્ટની બિમારીના વધતા જતા બનાવો વચ્‍ચે ભારત સરકારના આયુષ્‍યમાન કાર્ડએ હજારો લોકોને જીવલેણ હાર્ટની બિમારી સામે કવચ પુરૂં પાડી નવું જીવન આપ્‍યું છે.
વર્તમાન પત્રો કે સોશિયલ મીડિયામાં આપણે દર બીજા ત્રીજા દિવસે એવા દુઃખદ સમાચાર વાંચીએ છીએ કે, જીમ કરતા કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત, પાર્કિગમાં વાત કરતા કરતા યુવક ઢળી પડયો, બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા યુવકનું હૃદય રોગના હુમલાથી મોત, સ્‍કૂલમાં ભણતા ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત. પહેલાના સમયમાં હાર્ટ એટેકના બનાવ 50 કે 60 વર્ષની ઉંમર બાદ જોવા મળતા હતા પરંતુ હવે 25 -30 વર્ષમાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવ વધ્‍યા છે. તેની સામે જાગૃત્તિ કેળવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્‍નો થઈ રહ્યા છે. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે વલસાડ સિવિલ હોસ્‍પિટલના કાર્ડિયોલોજીસ્‍ટ ડો. અકેન દેસાઈએ જણાવ્‍યું કે, સિવિલ હોસ્‍પિટલમાં મહિનામાં 40 થી 50 દર્દી હાર્ટને લગતી બિમારીના આવે છે. જો જિલ્લાની ખાનગી હોસ્‍પિટલોની પણ વાત કરીએ તો મહિનામાં 200 જેટલા કેસમાં એન્‍જિયોપ્‍લાસ્‍ટી કરાવવી પડે છે. અત્‍યારના સમયમાં 40 વર્ષની નીચેની વયમાં હાર્ટ એટેકનુંપ્રમાણ વધી રહ્યું છે. જેના માટે માનસિક તાણ, સ્‍પર્ધાત્‍મક લાઈફ, અનિયમિત ઉંઘ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, સ્‍મોકિંગ અને આલ્‍કોહોલ, અનિયમિત ખોરાક, જંકફૂડનું વધતું પ્રમાણ, જીનેટીક ફેક્‍ટર અને બેઠા બેઠા કામ કરવું (બેઠાળુ જીવન) સહિતના પરિબળો કામ કરી રહ્યા છે. હાર્ટ એટેકના બનાવમાં વિદેશોની તુલનાએ ભારત 10 વર્ષ આગળ છે. વિદેશમાં દર 1 લાખની વસ્‍તીએ 235 તો ભારતમાં 272 લોકોના હાર્ટ એટેકના કારણે અકાળે મોત થાય છે. આ સિવાય ડાયાબીટીસ અને હાઈપર ટેન્‍શનનું પ્રમાણ વધતા હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધે છે.
ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી વિસ્‍તારોમાં હજુ પણ હાર્ટની બિમારીને લગતી જાગૃતિનો અભાવ જોવા મળે છે. જો છાતીમાં દુઃખાવો થાય તો સોડા પી લે છે અથવા તો હિંગ લગાવી લે છે. ટૂંકમાં કહીએ તો જાતે જ ઘરગથ્‍થુ ઉપાય કરી લે છે. હાર્ટની બિમારીમાં તત્‍કાલ સારવાર મળવી જરૂરી છે, જેટલો વિલંબ થાય તેટલું જોખમ વધી જાય છે. હાર્ટ એટેકના કારણે અચાનક મોત થાય એવું હોતું નથી પરંતુ હકીકતમાં લોકો ડાયગ્નોસીસ કરાવતા નથી. સમયાંતરે ઈસીજી, ઈકો અને ટ્રેડ મિલ ટેસ્‍ટ કરાવતા રહે તો પોતાના હાર્ટની કાળજી લઈ શકાય છે.
હાર્ટ એટેકના બનાવોને અટકાવવા માટેના ઉપાયોજણાવતા ડો. દેસાઈએ વધુમાં કહ્યું કે, માનસિક તાણમાંથી મુક્‍તિ મેળવવા માટે યોગ અને મેડિટેશન જરૂરી છે. એમ કહેવાય છે કે, રોજની 5 સિગારેટ પીવા થી જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન બેઠાળુ જીવનથી થાય છે. જેથી ઓછામાં ઓછી રોજના 30 મિનીટ કસરત કરવી જોઈએ. સ્‍મોકીંગ અને આલ્‍કોહોલ બંધ કરવું, ખોરાકમાં લીલા શાકભાજી અને ફળનો ઉપયોગ. ફરસાણ અને મીઠાઈનું પ્રમાણ ઘટાડવું અને નિયમિત હેલ્‍થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આ સિવાય ખાંડ, મીઠુ, સાબુદાણા, પોલીશ્‍ડ રાઈસ અને મેદા સહિતની પાંચ સફેદ કલરની વસ્‍તુને એવોઈડ કરવી જોઈએ.

આ કારણસર પુરૂષોની સરખામણીએસ્ત્રીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઓછું જોવા મળે છે

સિવિલ હોસ્‍પિટલના ડો. અકેન દેસાઈ જણાવે છે કે,સ્ત્રીની સરખામણીએ પુરૂષોમાં હાર્ટ એટેકના બનાવ વધુ જોવા મળે છે.સ્ત્રીમાં માસિકસ્ત્રાવ બંધ થયા પછી હાર્ટ એટેકનું પ્રમાણ વધુ જોવા મળે છે. માસિકધર્મ ચાલું હોય ત્‍યાં સુધી હોર્મોન્‍સ કુદરતી રીતે કાર્ડિયો પ્રોટેકટ કરતા હોવાથી હાર્ટ એટેકની શકયતા ઓછી રહે છે. આ સિવાયસ્ત્રીઓમાં સ્‍ટ્રેસ અને વ્‍યસનનું પ્રમાણ પણ પુરૂષોની તુલનાએ ઓછુ હોય છે. જેથીસ્ત્રીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઓછુ જોવામળે છે.

હાર્ટના દર્દીઓ માટે ખરા અર્થમાં આયુષ્‍યમાન કાર્ડ આયુષ્‍યમાન ભવઃ સાબિત થયો

હાર્ટ એટેકના વધતા જતા બનાવો સામે ભારત સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના વરદાન સમાન બની હોવાનું જણાવતા ડો. અકેન દેસાઈ વધુમાં કહે છે કે, વલસાડ જિલ્લામાં ૨૦૦ એન્જીયોપ્લાસ્ટી થતી હોય તેમાંથી અંદાજે ૧૬૦ દર્દી આયુષ્યમાન કાર્ડ ધરાવતા હોય છે. પહેલા આયુષ્યમાન કાર્ડ ન હોવાથી ગરીબ વર્ગના લોકો આર્થિક સમસ્યાને કારણે ઈલાજ કરાવી શકતા ન હતા પરંતુ હવે આ કાર્ડથી લોકો નિશ્ચિત બનીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી જાય છે. જેના કારણે તેઓ હવે લાંબુ આયુષ્ય જીવે છે. આયુષ્યમાન કાર્ડ હકીકતમાં દર્દીઓ માટે આયુષ્યમાનભવ સાબિત થઈ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં બે વર્ષમાં 145 બાળકોમાં જન્‍મજાત હૃદયની બિમારી જોવા મળી

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરબીએસકેની વલસાડ જિલ્લામાં કુલ ૩૦ ટીમ કાર્યરત છે. જેના કુલ ૧૨૦ સ્ટાફ દ્વારા સમયાંતરે શાળા અને આંગણવાડીઓમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. આ સિવાય સરકારી દવાખાનાના સ્ટાફ દ્વારા પણ બાળકોની તપાસ કરવામાં આવે છે. જે અંગે વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના આરસીએચઓ ડો. એ.કે.સિંઘે જણાવ્યું કે,  જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૦૭ અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૩૮ બાળકો એવા મળ્યા છે કે જેઓમાં જન્મજાત હ્રદય રોગની બિમારી છે. જેથી તેઓને અમદાવાદ યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં રીફર કરી આયુષ્યમાન કાર્ડ હેઠળ સર્જરી કરાવી નવુ જીવન આપવામાં આવ્યુ છે.

Related posts

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

Leave a Comment