(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયેલ ગણેશ મહોત્સવ ગુરુવારે અનંત ચૌદશના દિવસે પુર્ણ થયો પરંતુ જેટલી આસ્થા અને મહિમા સાથે બાપ્પાની મૂર્તિઓની સ્થાપના કરી દરરોજ સેવા અર્ચના, આરતી પૂજા કરીને ભાવિકોએ ભરેલા હૃદયે શ્રીજીની મૂર્તિઓનું ક્રમશઃ નદી, તળાવ, દરિયામાં વિસર્જન કર્યું. ભક્તોએ હાશકારો અનુભવ્યો પણ ના સ્થિતિ એ નથી ઉદ્ભવી. વલસાડ ઔરંગા નદી કિનારે ગણેશજીની મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલત દુર્દશાગ્રસ્ત બની રઝળી રહી છે.
સનાતન ધર્મમાં પર્વ તહેવારોનો મહિમા અપરંપાર છે. દરેક તહેવારો ધામધૂમથી ઉજવાય પણ છે. પરંતુ ક્યાંક અક્ષમ્ય ગણી શકાય તેવી માનવ સર્જીત ક્ષતિઓ પણ સર્જાય છે. તેવુ વર્તમાન ગણેશ મહોત્સવમાં જોવા મળ્યું છે. દમણના દરિયા કિનારે અને વલસાડ ઔરંગા નદીમાં વિસર્જીત કરેલી બાપ્પાની મૂર્તિઓ બેહાલ બની તૂટેલી ફુટેલી અદ્ય ઓગળેલી હાલતમાં રઝળતી પડી છે. આને ધર્મ ભક્તિ કેવી રીતે ગણી શકાય? જેટલી આસ્થાથી મૂર્તિઓનું સ્થાપન અને વિસર્જન થાય છે તે આસ્થા અંત સુધી જળવાતી જોવા મળતી નથી. આ માનવ સર્જીત ભૂલ છે. કારણ કે જો માટીની મૂર્તિઓ સ્થપાય અને વિસર્જન થાય તો પાણીમાંતુરત ઓગળી જાય પરંતુ પી.ઓ.પી.ની મૂર્તિઓ ઓગળતી નથી અથવા ઘણા સમય પછી ઓગળતી હોય છે. પરિણામે ઓવારે શ્રીજીની મૂર્તિઓની બેહાલી જોવા મળી રહી છે. વલસાડમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કંપની નીચા વાયરો પણ અંતરાય રૂપ બન્યા હતા તેથી ઘણા સ્થળે મૂર્તિઓ અટકી પડી હતી. તેનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે તેવુ ભક્તો ઈચ્છી રહ્યા છે.