-
ખાનવેલના મામલતદાર કાર્યાલયની ભૂમિકા સંદિગ્ધઃ મામલતદાર ઓફિસના એક ક્લાર્ક એજન્ટની ભૂમિકામાં
-
નવસારી જિલ્લાના ખેરગામથી કપચી-પથ્થરો લાવી દાનહમાં કરવામાં આવી રહેલા સ્ટોકઃ કપચી-પથ્થર ભરેલી ઓવરલોડિંગ ટ્રકો સામે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરની દાનહ પોલીસ ચેકપોસ્ટ દ્વારા આંખ આડા કાન કરવાની નીતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : મહારાષ્ટ્ર રાજ્યના જવ્હાર તાલુકાના દાભલોન ગામથી પાસ પરમિટ અને રોયલ્ટી વગરના પથ્થરો તથા કપચીની સપ્લાય દાદરા નગર હવેલીમાં મોટાપાયે કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં ખાનવેલ મામલતદારના એક ક્લાર્કની મીલિ ભગત હોવાનું પણ બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાં ક્વોરી ઉદ્યોગ ઉપર લાગેલી પાબંધી બાદ હવે પડોશના રાજ્ય મહારાષ્ટ્રના જવ્હાર તાલુકાના દાભલોનથી રોયલ્ટી વગરના બાંધકામમાં ઉપયોગમાં આવતા પથ્થરો તથા કપચી સપ્લાય કરવાના ગોરખધંધા શરૂ થયા છે. જેમાં મામલતદાર ઓફિસની ભૂમિકા સંદિગ્ધ હોવાનું પણ સામે આવ્યું છે.
બીજા એક પ્રકરણમાં નવસારી જિલ્લાના ખેરગામથીગેરકાયદે કપચી લાવી દાદરા નગર હવેલીમાં સ્ટોક કરી બાંધકામ ઉદ્યોગોને મોંઘા ભાવે લેવા મજબૂર કરી રહ્યા હોવાની પણ વ્યાપક ચર્ચા ઉઠી છે.
અત્રે નોંધનીય છે કે, ગેરકાયદે કપચી ભરીને આવતી મોટાભાગની ટ્રકો ઓવરલોડિંગ હોવા છતાં દાદરા નગર હવેલીની ચેકપોસ્ટ ઉપર આંખ આડા કાન કરવાની રીતિ-નીતિ અપનાવવામાં આવી રહી હોવાની પણ બૂમ ઉઠવા પામી છે. આ સમગ્ર પ્રકરણને તાત્કાલિક બંધ કરવા પણ બાંધકામ ઉદ્યોગમાંથી અવાજ ઉઠી રહ્યો છે.