(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત વર્ષ 2024-‘25 ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવા આજે દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયતના સરપંચ શ્રીમતી કૃતિકા અજયભાઈ બારાત અને મસાટ પંચાયતના સરપંચ શ્રી રણજીતભાઈ લીમજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પંચાયતોની ગ્રામસભા પંચાયત ઘરો ખાતે આયોજીત કરવામાં આવી હતી.
ગ્રામસભાનો શુભારંભ દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો .ત્યારબાદ ગ્રામસભાની કાર્યસૂચિ અનુસાર ચાલુ વર્ષનું બજેટ અને ભૌતિક ભંડોળનો ઉપયોગ, યોજનાઓની કાર્યપ્રણાલી અને આગામી વર્ષ 2024-‘25ના વિકાસકાર્યોના એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત રહેલા અધિકારીઓએ તેમના વિભાગ દ્વારા હાલમાં લાગુ ભારત સરકાર અને દાનહ પ્રશાસનની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને જાણકારી આપી હતી. સાથે વિવિધ વિકાસ કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોડ-રસ્તા, પાણી, ગટર વગેરેના પ્રશ્નોનો નિકાલ કરવા માટે ચર્ચાકરવામાં આવી હતી. આ અવસરે ગામમાં ઘણાં કામો બાકી રહી ગયેલ છે, એને પ્રશાસન દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી ગ્રામજનોએ માંગણી કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાલમાં 1લાખ 20 હજાર રૂપિયા આવાસ બનાવવા માટે મળે છે, જે પહેલાં રૂા. 2 લાખ 50 હજાર મળતા હતા. આ રકમને ફરીથી વધારવા માટેની માંગ ગ્રામજનોએ કરી હતી.
ગ્રામ સભામાં બન્ને ઉપ સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
