મરાઠી માધ્યમની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાનવેલના આદિવાસી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રોશન કરેલું દાનહ અને દમણ-દીવનું નામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દીવના ઘોઘલા બીચ પર યોજાયેલા ‘દીવ બીચ ગેમ્સ-2024’માં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાનવેલ – મરાઠી માધ્યમના વિદ્યાર્થી શ્રી ગોવિંદ રમણ ખાનજોડે અને શ્રી મનિષ કિશન પાખીએ મલખમ્બ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે દાનહ અને દમણ-દીવનું પ્રતિનિધિત્વ કરતા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ શ્રી ગોવિંદ રમણ ખાનજોડે અને શ્રી મનિષ કિશન પાખીને રજત પદક એનાયત કરવામાં આવ્યો હતો અને સાથે ટ્રોફી તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંઘપ્રદેશના આદિવાસી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની રમતમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓએ શુભકામના પાઠવી હતી. શાળાના આચાર્ય શ્રી સલીમ ડિંગણકર અને શિક્ષકોનો અને શિક્ષણ વિભાગના અધિકારીઓનો સહયોગ રહ્યો છે. શાળાપરિવારે બન્ને વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરી એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપી હતી.