ભારતમાં બીચ ગેમ્સ અને સ્પોર્ટ્સ પર્યટનનો શરૂ થયેલો એક નવો અધ્યાય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : તામિલનાડુમાં આયોજીત ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’ના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં સંઘપ્રદેશના દીવ ખાતે ભારતના પહેલા મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સના કરાયેલા સફળ અને શાનદાર આયોજનનો ઉલ્લેખ કર્યો હતો. જેની સમગ્ર ભારતમાં સરાહના કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, બીચ ગેમ્સ-2024ના અંતર્ગત દીવ ખાતે કુલ 8 અલગ અલગ રમતો સામેલ કરવામાં આવી હતી. જેમાં બીચ વોલીબોલ, પેનચાક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલખંબ, બીચ કબડ્ડી, સી-સ્વીમિંગ અને ટગ ઓફ વોર સામેલ હતા. જેના કારણે ભારતમાં બીચ ગેમ્સ અને સ્પોર્ટ્સ પર્યટનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. જેનાથી ભારતના કોસ્ટલ શહેરોનેઅભૂતપૂર્વ લાભ મળશે એવી આશા પણ પ્રધાનમંત્રીશ્રીએ પ્રગટ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, તામિલનાડુમાં આયોજીત ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં સંઘપ્રદેશના ખેલાડીઓ પણ સક્રિય રૂપથી ભાગ લઈ રહ્યા છે અને સંઘપ્રદેશના ખેલાડીઓ મલખંબ, બોક્સિંગ અને જીમ્નાસ્ટિકની રમતમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’ના પહેલા દિવસે સંઘપ્રદેશની ખેલાડી કુ. શ્રેયા રસ્તોગીએ ક્વોલીફાઈ કર્યું છે અને પહેલાં રાઉન્ડમાં 18 પોઈન્ટ હાંસલ કરી ઓવરઓલ છઠ્ઠો રેંક મેળવ્યો છે. તેઓ અગામી રાઉન્ડ માટે આવતી કાલે મુકાબલો કરશે.