-
દાનહ અને દમણ-દીવ નવી શિક્ષણનીતિ માટે પ્રયોગશાળા બનશેઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
-
મહારાષ્ટ્ર કરતા સારૂં શિક્ષણ દાનહ અને દમણ-દીવમાં મળી રહ્યું હોવાનું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલું જાહેરમાં પ્રમાણપત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : આજે સેલવાસ ખાતે કલેક્ટરાલયની સામે કોર એરિયા સ્ટેડિયમમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને દાદરા નગર હવેલી અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે મેળવેલી ઉપલબ્ધિ ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મળેલા પ્રેમથી સંઘપ્રદેશના લોકો સૌભાગ્યશાળી છે અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની છત્રછાયામાં પ્રદેશે વિકાસની મારેલી ઊંચી છલાંગ બદલ પ્રદેશના લોકો ભાગ્યશાળી હોવાનોઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આઠ લાખની વસતી ધરાવતા અને પાંચ હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગો ધરાવતા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિકાસની અપાર સંભાવના પડેલી છે, પરંતુ યોજના બનાવવાની આવશ્યકતા છે. તેમણે ખુશી પ્રગટ કરી હતી કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આયોજનમાં કોઈ કસર છોડી નથી અને આગામી 25 વર્ષમાં ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ ‘વિકસિત ભારત’નો ભાગ હશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ટોકરખાડા સ્કૂલના ઉદ્ઘાટન સમયે ધોરણ-2ની એક બાળકી સાથે કરેલા સંવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ બાળકીએ ધોરણ 6 અને 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માફક જવાબો આપ્યા હતા. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર કરતા પણ અહીંનું શિક્ષણ ઉત્તમ ગુણવત્તાવાળું છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કર્મઠ પ્રયાસોની પણ મુક્ત મને પ્રશંસા કરી હતી.
શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉપસ્થિત વિદ્યાર્થીઓને જ્ઞાન આધારિત અર્થનીતિને આગળ લઈ જવાનું આહ્વાન કરી નવી શિક્ષણ નીતિ માટે દાદરા નગર હવેલી અનેદમણ-દીવ એક પ્રયોગશાળા બની શકશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં સ્થાપિત તમામ એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટો વિશ્વ સ્તરની છે. તેમણે વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કરતા જણાવ્યું હતું કે, તમને આજે આપવામાં આવેલી સાયકલ આવતા દિવસોમાં વિમાન અને હેલિકોપ્ટર બનવાની છે અને લેપટોપ દુનિયાને તમારી મુઠ્ઠીમાં કરશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
પ્રારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયત અને સરપંચો, સેલવાસ અને દમણ નગરપાલિકા, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઓરિસ્સા સમાજ તથા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશને કેન્દ્રીય મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ભેટ આપી અભિવાદન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને રિમોટના માધ્યમથી સેલવાસ તથા દીવ પાંજરાપોળમાં પ્રાથમિક શાળા, સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ અને સાઉદવાડીમાં ઉચ્ચ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દીવ વણાંકબારા ખાતે અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલ અને ગુજરાતી માધ્યમની હાયર સેકન્ડરી સ્કૂલનો શિલાન્યાસ પણ કર્યો હતો.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અનેસંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સરસ્વતી વિદ્યા યોજના અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક સરકારી શાળાની 8મા ધોરણની કુલ 7467 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગ અને ટેક્નિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓ, ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓને 4238 લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, જિ.પં. પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દાનહ જિ.પં.ના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, પૂર્વ સાંસદ શ્રી સીતારામભાઈ ગવળી, ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય પક્ષો અને સેવા સંગઠનોના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સંઘપ્રદેશ પ્રશાસનના સહાયક એકાઉન્ટ ઓફિસર શ્રીમતી શર્મિલા પરમારે ખુબ જ સુંદર રીતે કર્યું હતું.