(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : લોકસભાની ચૂંટણી-2024ને નજર સમક્ષ રાખી આદર્શ આચાર સંહિતાના કડક પાલનસ્વરૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ચૂંટણી વિભાગના અધિકારીઓ દ્વારા તત્પરતા સાથે નજર રાખવામાં આવી રહી છે. આ માટે વિવિધ સ્થળોએ ફલાઈંગ સ્કવોર્ડની તૈનાતી પણ કરવામાં આવી છે. આગામી તા.7મી મે, 2024ના રોજ ત્રીજા ચરણમાં ગુજરાત સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ મતદાન થવાનું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સતર્કતાનાભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેમાં રોકડ અને દારૂ-બિયરની તસ્કરી તથા ચૂંટણીના સમયે તેના વિતરણ ઉપર રોક લગાવવા માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.5મી એપ્રિલ, 2024ના શુક્રવારથી 7 સ્ટેટિક મોનિટરીંગ ટીમો(એસ.એસ.ટી.) પણ 14 જેટલા જુદા જુદા ચેકપોસ્ટ અને અન્ય સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ, પારદર્શક, મુક્ત, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તેમજ નિヘતિ કરાયેલા નીતિ-નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દમણ જિલ્લામાં ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ દરમિયાન રૂા.8.45 લાખનો દારૂ અને 2.39 લાખનો દારૂ વિવિધ જગ્યાએથી જપ્ત કરવામાં આવ્યો છે. દમણના ચૂંટણી અધિકારીઓ દ્વારા 16મી માર્ચ, 2024ના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ અત્યાર સુધી લગભગ 32.39 લાખની રોકડ રકમ અને 16.09 લાખ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. દમણ જિલ્લા પ્રશાસને આ બાબતે સખત પગલાં ભરતાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદો નોંધી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે યાદ છે કે, આદર્શ આચાર સંહિતા દરમિયાન સંઘપ્રદેશમાં 50 હજાર રૂપિયાથી વધુની રોકડ રકમ અને 10 હજાર રૂપિયાથી વધુનો નવો સામાન લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. તેથીલોકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ ચૂંટણી સમય દરમિયાન આદર્શ આચારસંહિતાના નક્કી કરાયેલા નીતિ-નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓને ગેરકાનૂની રીતે ન કરે.