લોકસભાની દમણ અને દીવ બેઠકમાં પટેલ ઉમેશભાઈ નામના ત્રણ ઉમેદવારોએ કરેલી દાવેદારી જે પૈકી બે ઉમેદવારોના પિતાનું નામ બાબુભાઈ
દમણ અને દીવ બેઠક માટે બાબુભાઈ નામના પિતાના ત્રણ પુત્રોએ કરેલી દાવેદારીઃ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પિતાનું નામ પણ બાબુભાઈ
દમણ-દીવ બેઠકમાં બે લઘુમતિ સમુદાયના ઉમેદવારોએ પણ નોંધાવેલી અપક્ષ દાવેદારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : શનિવારે ઉમેદવારી પત્રકોની ચકાસણી બાદ લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 7 ઉમેદવારો અને દાદરા નગર હવેલી બેઠક માટે 6 ઉમેદવારો મેદાનમાં છે. આવતી કાલે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરે 3:00 વાગ્યા બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે.
લોકસભાની દમણ અને દીવ બેઠકમાં શ્રી ઉમેશ પટેલ નામના ત્રણ વ્યક્તિઓએ ઉમેદવારી કરી છે, જે પૈકી બે ઉમેદવારોના પિતાનું નામ પણ બાબુભાઈ છે. તેથી લોકસભાની દમણ અને દીવ બેઠકમાં બાબુભાઈ નામના પિતાના ત્રણ પુત્રોએ ઉમેદવારી કરી છે. કારણ કે, દમણ-દીવના નિવર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનાપિતાનું નામ પણ બાબુભાઈ છે.
લોકસભાની દમણ અને દીવ બેઠક માટે બે લઘુમતિ સમુદાયના ઉમેદવારોએ પણ પોતાની અપક્ષ દાવેદારી નોંધાવી છે. લોકસભાની દમણ અને દીવ બેઠકમાં કાયદેસર રીતે દરખાસ્ત થઈ હોય એવા ઉમેદવારોમાં (1) શ્રી કેતન ડાહ્યાભાઈ પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (2) પટેલ લાલુભાઈ બાબુભાઈ – ભારતીય જનતા પાર્ટી (3) પટેલ ઉમેશકુમાર ઉત્તમભાઈ – નવસર્જન ભારત પાર્ટી (4) પટેલ ઉમેશભાઈ બાબુભાઈ – અપક્ષ (5) પટેલ ઉમેશભાઈ બાબુભાઈ – અપક્ષ (6) મુલ્લા મોહમ્મદ ઈદરીશ ગુલામ રસુલ – અપક્ષ અને (7) સકિલ લતિફ ખાન – અપક્ષનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલી બેઠકમાં 6 ઉમેદવારોના ઉમેદવારી પત્રક માન્ય થયા છે. જેમાં (1) અજીત રામજીભાઈ માહલા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (2) ડેલકર કલાબેન મોહનભાઈ – ભારતીય જનતા પાર્ટી (3) બોરસા સંદીપભાઈ શંકરભાઈ – બહુજન સમાજ પાર્ટી (4) કુરાડા દિપકભાઈ – ભારતીય આદિવાસી પાર્ટી (5) ગાંગોડે લક્ષ્મણભાઈ – અપક્ષ અને (6) શૈલેષભાઈ વરઠા – અપક્ષનો સમાવેશ થાય છે.
લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક ઉપર અલગ અલગ પાર્ટીના ચાર ઉમેદવારો અને બે ઉમેદવારોએ અપક્ષ રીતે દાવેદારી કરી છે.
આવતી કાલે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે દાદરા નગર હવેલી અને દમણ-દીવબંને બેઠકો માટે કેટલા ઉમેદવારો બાકી રહે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.