Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

વર્ષ 1957, 1962 અને 1967 માં માત્ર બે હરીફ પાર્ટી વચ્‍ચે ચૂંટણી જંગ જામ્‍યો હતો, જ્‍યારે 2014ની ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્‍ચે રસાકસી જામી હતી

અત્‍યાર સુધીની ચૂંટણીમાં 2019માં વલસાડ બેઠક ઉપર 353797 મતની સૌથી વધુ લીડ ડો.કે.સી.પટેલ અને 1996 માં માત્ર 368 ની સૌથી ઓછી લીડ સાથે મણીભાઈ ચૌધરી વિજેતા થયા હતા

વલસાડ બેઠક પર હમણાં સુધીની 17 લોકસભાની ચૂંટણીમાં નવ વાર
કોંગ્રેસ અને પાંચ વાર ભાજપે જીત મેળવી

મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો વિકલ્‍પ વર્ષ 2014ની
16મી લોકસભાની ચૂંટણીથી આપવામાં આવ્‍યો

વિશેષ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્‍યા બાદ આઝાદ ભારતમાં પ્રથમવાર વર્ષ 1951માં લોકશાહીની ઓળખ સમાન પ્રથમ લોકસભાની ચૂંટણી થયા બાદ હવે આગામી તા.7 મે ના રોજ 26-વલસાડ બેઠક પર અઢારમી લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્‍યારે અત્‍યાર સુધીની કુલ 18 લોકસભામાં કેટલા રાજકીય પક્ષો ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા?,કેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા ચૂંટણી જંગ ખેલયા હતા?, કોણે બાજી જીતી હતી?, કયો પક્ષ સૌથી વધુ સત્તામાં રહ્યો હતો?, અત્‍યાર સુધીમાં કયો ઉમેદવાર સૌથી વધુ મતોથી જીત્‍યા હતા? કયો ઉમેદવાર સૌથી ઓછી સરસાઈથી વિજેતા બન્‍યો હતો?, અત્‍યાર સુધીની ચૂંટણીમાં કેટલી મહિલા ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મહાસંગ્રામમાં ઉતર્યા અને તેઓને સફળતા મળી હતી કે કેમ, કોઈ ઉમેદવાર ગમતો ન હોય તો શું કરવું? સહિતના સવાલો ઈતિહાસને વાગોળવાની સાથે અને મતદારોની જાણવાની જિજ્ઞાસાને સંતોષે છે. આવા અનેક રસપ્રદ સવાલોના જવાબ આગામી અઢારમી લોકસભાની ચૂંટણી વેળા જાગૃત મતદારો માટે પ્રાસંગિક લેખાશે.
મતદાર જ દેશનો ભાગ્‍ય વિધાતા ગણાય છે, વધુમાં વધુ મતદાનથી જ સાચી લોકશાહી અમલમાં આવતી હોય છે, જેથી ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિના ભાગરૂપ અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્‍યારે 26 વલસાડ (અ.જ.જા.) બેઠક પર તા.7 મે ના રોજ મતદાન થનાર છે ત્‍યારે ભૂતકાળને વાગોળીએ તો, વર્ષ 1951ની પ્રથમ લોકસભાની ચૂંટણીનો જંગ 3 પાર્ટી કિસાન મજદૂર પ્રજા પાર્ટી (કેએમપીપી), સમાજવાદી પાર્ટી (એસપી) અને ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ(આઈએનસી) વચ્‍ચે ખેલાયો હતો. ત્‍યારબાદ 1957 અને 1962માં ફક્‍ત બે પાર્ટી ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ અને પ્રજા સોશિયાલીસ્‍ટ પાર્ટી (પીએસપી) વચ્‍ચે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું હતું. ત્‍યારબાદ 1967માં પણ બે પાર્ટી ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ અને સ્‍વતંત્ર પાર્ટી (એસડબલ્‍યુએ) વચ્‍ચે ચૂંટણીનો મહાસંગ્રામ ખેલાયો હતો. આ સિવાયની ચૂંટણીમાં 3 થી વધુ પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી. જેમાં 18 થી વધુ નવી નવી પાર્ટીઓ ભારતમાં લોકશાહીને વધુ બળવત્તર બનાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી. જેમાં મુખ્‍યત્‍વે જોઈએ તો, ભારતીય લોકદળ (બીએલડી), ભારતીય જનસંઘ (બીજેએસ), જનતા પાર્ટી (જેપી) અને બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) સહિતની વિવિધ પાર્ટીનો સમાવેશ થાય છે.
1957, 1962 અને 1967 માં માત્ર બે હરીફ પાર્ટી વચ્‍ચે ચૂંટણી જંગ જામ્‍યો હતો જ્‍યારે 2014 ની ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્‍ચે ચૂંટણીની રસાકસી જામી હતી. 2024ની લોકસભા સામાન્‍ય ચૂંટણીમાં 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
હમણાં સુધીની 17 લોકસભા ચૂંટણીમાં 2019માં વલસાડની બેઠક ઉપર 353797 મતની સૌથી વધુ લીડ ડો.કે.સી.પટેલ અને 1996 માં માત્ર 368 ની સૌથી ઓછી લીડ મણીભાઈ રામજીભાઈ ચૌધરીએ મેળવી વિજેતા ઉમેદવાર બન્‍યા હતા.મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો વિકલ્‍પ વર્ષ 2014ની 16મી લોકસભાની ચૂંટણીથી આપવામાં આવ્‍યો હતો. જેમાં 2014ની ચૂંટણીમાં નોટાને 26606 અને 2019ની ચૂંટણીમાં 19307 મત નોટાને મળ્‍યા હતા.
આ 17 લોકસભામાં 1951, 1957, 1962, 1967, 1980, 1984, 1991, 2004, 2009 ની લોકસભા ચૂંટણીમાં ઈન્‍ડીયન નેશનલ કોંગ્રેસે જીત મેળવી હતી. જ્‍યારે વર્ષ 1996, 1998, 1999, 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જ્‍યારે 1971માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઈઝેશન, 1977માં ભારતીય લોકદળ અને 1989 માં જનતાદળે જીત મેળવી હતી.

વલસાડ બેઠક પર અત્‍યાર સુધીમાં કુલ 4 મહિલાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યું હતું

લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધુ નોંધાય તે ઈચ્‍છનીય છે પરંતુ અત્‍યાર સુધી 17 લોકસભા ચૂંટણી થઈ તેમાં ચાર ચૂંટણીમાં મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતરી હતી પરંતુ તેઓ સફળ થઈ શકી ન હતી. જેની વિગત જોઈએ તો 1977માં છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં પટેલ નિર્મલાબેન હરજીભાઈ (આઈએનસી) મેદાનમાં ઉતરતા તેમને 143897 મત મળ્‍યા હતા જેમની સામે ભારતીય લોકદળના ઉમેદવાર પટેલ નાનુભાઈ નીછાભાઈને 161861 મત મળતા તેમનો વિજય થયો હતો. 1980માં સાતમીલોકસભાની ચૂંટણીમાં પટેલ સવિતાબેન ગમનભાઈ (આઈએનસી) (યુ)ને 14068 મત મળતા તેમની હાર થઈ હતી. જ્‍યારે 1991માં 10મી લોકસભાની ચૂંટણીમાં સવિતાબેન ગમનભાઈ પટેલ (વાયવીપી)ને 1658 મત મળ્‍યા હતા. છેલ્લે 1996માં અગિયારમી લોકસભાની ચૂંટણીમાં જનતા દળમાંથી અરૂણાબેન ગંભીરભાઈ પટેલ ચૂંટણી લડયા હતા ત્‍યારે તેમને 3941 મત મળ્‍યા હતા ત્‍યારબાદ એક પણ મહિલાએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી.

લોકશાહીના પર્વમાં અત્‍યાર સુધી 12 ઉમેદવારોએ અપક્ષ ઉભા રહી નસીબ અજમાવવા પ્રયાસ કર્યો હતો

લોકશાહીમાં દેશનો કોઈપણ નાગરિક પાર્ટીના સિમ્‍બોલ વિના પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં નિર્ભિક રીતે ઉભો રહી શકે છે. વલસાડ બેઠક પર અત્‍યાર સુધીની 17 લોકસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વાર 1984માં આઠમી લોકસભામાં એક ઉમેદવાર અપક્ષ ઉભો રહી ચૂંટણી લડ્‍યો હતો, ત્‍યારબાદ 1991માં એક, 1996માં 4, 1998માં 1, 2009માં 1, 2014માં 1 અને 2019માં 3 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. સાત અલગ અલગ લોકસભાની ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો અપક્ષ લડ્‍યા હતા. પરંતુ વિજેતા કોઈ થયુ ન હતું, જો કે સૌથી વધુ મત 2009ની 15મી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પટેલ રામભાઈકોયાભાઈને 27429 મત મળ્‍યા હતા.

Related posts

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment