ઉમેદવારોને પ્રચાર માટે મળનારા 13 દિવસઃ 5મી મેના સાંજે પાંચ વાગ્યાથી બંધ થશે પ્રચારના બ્યુગલ
7મી મેના સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી પ્રદેશના લોકો પોતાના સાંસદને ચૂંટવા માટે મતાધિકારનો કરશે પ્રયોગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: લોકસભાની દમણ અને દીવ બેઠક માટે આજે ઉમેદવારીપત્રક ખેંચવાના અંતિમ દિવસે એકપણ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્રક નહીં ખેંચતા હવે આ બેઠક ઉપર 7 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી શ્રી કેતન ડાહ્યાભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના શ્રી લાલુભાઈ બાબુભાઈ પટેલ, નવસર્જન ભારત પાર્ટીના શ્રી ઉમેશ પટેલ, અપક્ષો તરીકે પટેલ ઉમેશભાઈ બાબુભાઈ, પટેલ ઉમેશભાઈ બાબુ, શ્રી ઈદરીશ મુલ્લા અને સકિલ લતિફ ખાનનો સમાવેશ થાય છે.
અપક્ષ ઉમેદવારોને પોતાનું ચૂંટણી પ્રતિક પણ ફાળવી દેવાયું છે. હવે આજથી ઉમેદવારોને પ્રચાર માટે 13 દિવસ મળશે. તા.5મી મેના સાંજે 5:00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થશે અને 7મી મેના રોજ સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી લોકો પોતાનામતાધિકારનો પ્રયોગ કરી સાંસદને ચૂંટવા માટે મતદાન કરશે.