(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.25: 25 જૂન, 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસને ભાજપ દ્વારા દર વર્ષે ‘કાળા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિરોધ માર્ચ કાઢવામાં આવે છે. જેની કડીમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ કાર્યાલય નાની દમણથી બસ સ્ટેન્ડ સુધી વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી અને ઇમરજન્સી અને કોંગ્રેસના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ભાજપી કાર્યકરોએ કાળી પટ્ટીધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ કાર્યકરોને જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહીની હત્યા કરવાનો અને તેના પર વારંવાર પ્રહાર કરવાનો કોંગ્રેસનો લાંબો ઈતિહાસ છે. 1975માં આ દિવસે કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ સમય દરમિયાન, તેમણે મીડિયા પર સેન્સરશીપ લાદી હતી, બંધારણમાં ફેરફારો કર્યા હતા અને કોર્ટના હાથ પણ બાંધ્યા હતા. કટોકટીના સમયે સસંસદથી સડક સુધી આંદોલન કરનારા અસંખ્ય સત્યાગ્રહીઓ, સામાજિક કાર્યકરો, શ્રમિકો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સંઘર્ષને સલામ કરીએ છીએ કે જેમણે કટોકટીનો વિરોધ કર્યો હતો.
આજની વિરોધ કૂચમાં અન્ય અગ્રણી ઉપસ્થિતોમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ આગરીયા, શ્રી નવીનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ ગોસાવી, શ્રીમતી તરુણાબેન પટેલ, શ્રી મજીદ લધાણી, શ્રી પીયુષ પટેલ, શ્રી વિક્રમ હળપતિ, શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી જયેશ પટેલ, શ્રી ધનસુખ પટેલ, જિલ્લા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.