સહ પ્રભારી તરીકે કામ કરી ચુક્યા હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો, પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોની માનસિકતા તથા પક્ષ પ્રત્યેની નિષ્ઠાની લાગણીથી પણ માહિતગાર હોવાથી પ્રભારી તરીકે દુષ્યંતભાઈ પટેલ ઉપર સંગઠનને અસરકારક બનાવવા વ્યક્ત થઈ રહેલી અપેક્ષા
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.05: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રભારી તરીકે શ્રી દુષ્યંત પટેલની નિયુક્તિ કરી છે. શ્રી દુષ્યંત પટેલ લોકસભાની ચૂંટણી દરમિયાન સહ પ્રભારી તરીકે કાર્યરત હતા.
લોકસભામાં ભાજપ માટેની સુરક્ષિત બેઠકો પૈકીની એકમાં ગણતરી થતી દમણ અને દીવ બેઠકમાં મળેલા પરાજયના કારણે પ્રદેશ ભાજપ પ્રભારીના પદ ઉપરથી શ્રી પૂર્ણેશભાઈ મોદીનો ભોગ લેવાયો હોવાની ચર્ચાએ પણ પ્રદેશમાં જોર પકડયું છે. બીજી બાજુ શ્રી પૂર્ણેશભાઈ મોદીને ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે ગોઠવવા માટેની હિલચાલ આખરી તબક્કામાં હોવાથી તેમને પ્રદેશ પ્રભારીના ભારથી મુક્ત કરાયા હોવાની વાતો પણ વહેતી થઈ રહી છે.
પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલે સહ પ્રભારી તરીકે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની માનસિકતા, પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોની પક્ષ પ્રત્યેની નિષ્ઠા વગેરેથી માહિતગાર હોવાથી આવતા દિવસોમાં ભાજપ સંગઠનને નવી ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. બીજી બાજુ શ્રી દુષ્યંતભાઈ પટેલ લોકસભાની ચૂંટણીમાં દમણ અને દીવ બેઠક ઉપરથી ભાજપને મળેલા પરાજય પાછળ રહેલી પક્ષના કેટલાક વરિષ્ઠ હોદ્દેદારોનીરણનીતિથી પણ વાકેફ હોવાથી તેઓ સંગઠનમાં પણ તંદુરસ્ત ફેરફાર કરે એવી શક્યતા પણ નકારાતી નથી.