(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં પોષણ અને આરોગ્ય શિક્ષણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તૂતિથી કરવામાંઆવ્યો હતો.
આ અવસરે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે પૌષક તત્ત્વ અંગે બાળકોને વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે યોગ્ય પૌષ્ટિક ખોરાક અને સસ્તા સરળ પૌષક આહાર વિશે તેમજ ડાયટ કેર અને ઈયરલી ડિટેક્શનની બાબતમાં વિસ્તૃત જાણકારી આપી હતી. આ અવસરે ગ્રોવર એડ વેલ ઇન્ડિયા લિમિટેડ- દાદરાના સિનિયર મેનેજર શ્રી દિનેશ પાટીલ, શ્રી સંજય સિંહ અને જુનિયર ઓફિસર ભારતી થાપા દ્વારા પૌષણયુક્ત આહાર અંગે વિચાર-વિમર્શ કરી પૌષ્ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની આચાર્ય જ્યોર્તિમય સુરેએ પણ આહાર અને વિહાર અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રીમતી જીગ્ના દ્વારા કરવામાં આવી હતી.