(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલીના રખોલી ખાતે અજાણ્યા યુવાનને વાહન ટક્કર મારતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. રખોલી ખાતે અજાણ્યા વ્યક્તિનું અકસ્માત થયું હોવાનું પોલીસ કંટ્રોલ રૂમ સાયલી પોલીસ સ્ટેશનના પીસીઆર-4ને જાણ થઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રખોલીના જલારામ મંદિરની સામે મેઈન રોડ પર રાત્રે એક વાગ્યાના સુમારે એક અજાણ્યા વ્યક્તિને અચાનક વાહને ટક્કર મારી હતી. આ અંગેની જાણ થતાં ફરજ પરનો સ્ટાફઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આશરે 25 થી 30 વર્ષની વયનો અજાણ્યો શખ્સ મળી આવ્યો હતો. તેને કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા અકસ્માત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલ યુવાન ગંભીર રીતે ઘાયલ હતો અને તેના કપડામાં ચેક કરતાં તેની પાસેથી કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર મળી આવ્યું નહોતું. જેથી મૃતક વ્યક્તિની ઓળખ થઈ શકી નહોતી અને હજુ સુધી તેના સગાં-સંબંધીની પણ ભાળ મળી નથી જેથી અને આ અંગે સાયલી પોલીસ સ્ટેશનમાં 281, 106(1), ગ્ફલ્ અને સે.134, 184, 177 મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વ્યક્તિની ઓળખ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મૃતકની ઉંમર આશરે 25 થી 30 વર્ષ અને રંગ ગોરો, ઊંચાઈ 5′ 6 ઇંચ છે. કાળા રંગનું ફુલ ટી-શર્ટ અને વાદળી રંગનું ફુલ પેન્ટ પહેર્યું છે. ઉપરોક્ત ઓળખાણ વાળી અજાણી વ્યક્તિનો કોઈ સંબંધી મળી આવે તો સાયલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.