(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : ગ્રામીણ વિસ્તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (મહાત્મા ગાંધી નરેગા) હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં આગામી તા.14મી ઓક્ટોબરના રોજ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવનાર હોવાની માહિતી દાનહ જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તા.14મી ઓક્ટોબરના રોજ દાદરા નગર હવેલીના તમામ ગ્રામ પંચાયતોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે અને આજ પ્રમાણે દર મહિનાના બીજા સોમવારે પણ દરેક ગ્રામ પંચાયતોમાં ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહાત્મા ગાંધી નરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારના લોકોને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ સરકારની વિવિધયોજનાઓ અને સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. દરમિયાન નવા લાભાર્થીઓની નોંધણી માટેની અરજીઓ પણ સ્વીકારવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે તે ગ્રામ પંચાયત સભ્યો, કામદારો અને સ્થાનિક નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.