(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી જિલ્લામાં લોકોને ઘર બનાવવા માટે વન ટાઈમ સેટલમેન્ટ પોલિસી બનાવી 4(6)કેસનો ઉકેલ લાવવા સંદર્ભે પ્રદેશ શિવસેના પ્રમુખશ્રી શ્વેતલ ભટ્ટ દ્વારા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દાનહ પ્રદેશ શિવસેનાએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને કરેલી લેખિત અરજીમાં જણાવ્યા પ્રમાણે તાજેતરમાં દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની જગ્યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્લાન પાસ કરવામાંથી મુક્તિ માટેના જિલ્લા પ્રશાસને કરેલા ઐતિહાસિક આદેશનું સ્વાગત કરીએ છીએ. પરંતુ દાદરા નગર હવેલીમાં ઘણા વર્ષો પહેલા કેટલાક લોકોએ પોતાનું ઘર બનાવવાના હેતુ માટે જમીન માલિક પાસેથી કાચુ લખાણ કરી જમીન ખરીદી હતી, જેને 4(6)કેસ તરીકે ગણવામાં આવે છે. આ પ્રકારની જમીન ખરીદનારા ઘણા લોકોએ ઘર બનાવવા માટે સમય પર પ્રશાસનને અરજી કરી છે પરંતુ કાયદાકીય જોગવાઈના અભાવે એનો ઉકેલ આવ્યો નથી. જેના કારણે સેલવાસ શહેરના કેટલાક ભાગોમાં વિકાસ બાધિત થયો છે. આપશ્રી વહીવટી તંત્રના વડા તરીકે દાનહ અને દમણ-દીવનો અખત્યાર સંભાળી રહ્યા છો ત્યારે દાનહના લોકો પણ 4(6)વાળી જમીનમાં ઘર બનાવવા માટેની પોલીસી બનાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આ સમસ્યા હલ કરવા જમીન વેચનારા, ખરીદનારા અને પ્રશાસન વચ્ચે આપસી સહમતી સાધી વન ટાઈમ સેટલમેન્ટ પોલિસી બનાવી 4(6)કેસનો ઉકેલ લાવવા મદદરૂપ થવા દાનહ શિવસેનાપ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે પ્રશાસકશ્રીને અરજ કરી છે.