October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંભવનાથના એ તિલકમણિના ઝળહળાટ કરતાં શ્રીજીની પ્રતિભાની પ્રભાનો ચંદરવો એ અંગ્રેજના હૃદયને વધુ પ્રકાશી ગયો

જેવો સૌરાષ્ટ્રનો ગરવો ગિરનાર તેવી જ ગરવી ભૂમિ.

જોગીજાતિઓ, સંતમહંતો અને શૂરવીરોની કંઈક ગાથાઓથી અંકાયેલી આ ભૂમિને અયોધ્‍યા પાસે છપૈયા ગામમાં પ્રગટેલા ભગવાન સ્‍વામિનારાયણે પોતાનું કાર્યક્ષેત્ર બનાવેલું. એમણે માનવતાને મૂળમાંથી ઉખાડી દે તેવી સતીપ્રથા કે બાળકીને દૂધપીતી કરવા જેવાં કુરિવાજને નેસ્‍તનાબૂદ કરવા કમર કસેલી. એમના વ્‍યસન મુક્‍તિ અભિયાન દ્વારા કંઈ કેટલાંઓ અફીણ, ગાંજો, દારૂ, બીડી, તમાકુ છોડી તેમણે નિર્વ્‍યસની બનાવી સન્‍માર્ગે વળેલાં. ધર્મના નામે પાખંડ ચલાવતા ઢોંગી ગુરુઓનું પણ પરિર્વર્તન કરી પોતાના આશ્રિત બનાવેલાં. તેમનાં પ્રભાવથી ચોરી લૂંટફાટ કરનારાઓમાં પણ આમૂલ પરિવર્તન થયેલું. અધર્મનો ઉચ્‍છેદ કરી ધર્મનું સ્‍થાપન કરવું એ જ એમનું અભિયાન હતું. તેમની ભક્‍તિમાર્ગની કાર્યશૈલીથી લોકો તેમને ‘શ્રીજી મહારાજ’ના હુલામણા નામથી સંબોધતા. જનકલ્‍યાણની તેમના વિચરણની અવિરતગંગા વહેતી રહેતી.
એક વખત વિચરણ દરમ્‍યાન તેઓ એક વહેલી સવારે સંતભક્‍તોના સંઘ સાથે મહુવા બંદર તરફ જતાં મોણપુર ગામને પાદરે પહોંચ્‍યા. ‘આ તો શાર્દૂલ ખસિયાનું ગામ. તેને મળ્‍યા વગર આગળ કેમજવાય?’ ભગવાન સ્‍વામિનારાયણના આ વિચારને સાકાર સ્‍વરૂપ આપવા શાર્દૂલને પાદરથી જ કહેણ મોકલાવ્‍યું.
બાર ગામના ગરાસદાર શાર્દૂલ મૂળ શિવ ભક્‍ત પણ તેમના કેટલાંક સબંધી ભગવાન સ્‍વામિનારાયણના આશ્રિત હતા તેથી અવારનવાર તેઓ ગઢડા, જૂનાગઢ વિગેરે દર્શને જતાં. શાર્દૂલ ગુપ્ત રીતે બહારવટું પણ કરતાં પણ સ્‍વભાવે શાંત એટલે તેની કોઈને જાણ નો’તી. ભગવાન સ્‍વામિનારાયણના આગમનના સમાચારથી શાર્દૂલ ગામને પાદરે દોડયા. માન-સન્‍માનપૂર્વક શ્રીજી મહારાજને પોતાના દરબારગઢમાં પધરાવ્‍યા. શાર્દૂલના ભક્‍તિભાવથી કરુણામૂર્તિ શ્રીજીએ સામેથી ભોજનનો બંદોબસ્‍ત કરવા કહ્યું.
આશરે પાંચસો માણસોની રસોઈ માટે આંધણ મુકાયાં. હરખઘેલા શાર્દૂલ તો ઘોડે ચડી પોતાના ઓળખીતાને આમંત્રણ આપવા નીકળી પડયા.
લગભગ અગિયાર વાગ્‍યાના સુમારે ભોજન તૈયાર થઈ ગયું. ફક્‍ત શાર્દૂલ અને તેમના મહેમાનોની રાહ જોવાતી હતી. જમવાની પંગત માટે પાથરણા પાથરાઈ રહ્યા હતા. ત્‍યાં તો શ્રીજીએ સંઘને મહુવા બંદર તરફ જવાનો આદેશ કર્યો. અચાનક આવા આદેશથી બધાં હેબતાઈ ગયા. જાણે અચાનક વીજળી પડી. શ્રીજીનો આદેશ થતાં જ ઘડીકમાં જ સંઘે મહુવાની વાટ પકડી.
દરબારગઢની મહિલાઓનો ઉત્‍સાહ ઓસરી ગયો. તેમણે તરત જ ખેપિયા સાથે શાર્દૂલને સંદેશો મોકલ્‍યો.શ્રીજીના પ્રસ્‍થાન સમાચાર મળતાં જ શાર્દૂલે સંઘ પાછળ ઘોડો દોડાવ્‍યો. આભને આંભતા ઘોડાએ શાર્દૂલને બે ગાઉના અંતરે પહોંચેલા શ્રીજીનો ભેટો કરવી દીધો. ઘોડા પરથી છલાંગ મારી શાર્દૂલે શ્રીજીના ઘોડાની લગામ ઝાલી સંઘને રોકી દીધો.
‘કેમ મહારાજ, અમારો કાંઈ વાંકગુનો તે અમારી રસોઈ છાંડીને આમ ચાલી નીકળ્‍યા. આપ ન જમો તો જણનારીની કૂખ લાજે. આપ પાછાં ન વળો તો મારું જીવવું હરામ થઈ જશે! શાર્દૂલની વિનંતીના વરસાદમાં શ્રીજી થોડું ભીંજાયા.’
‘એક શરતે જમું, જો મારું એક વચન માનો તો!’ શ્રીજીના વચનને અદ્ધર ઝીલવા શાર્દૂલ તૈયાર થઈ ગયા, ‘મહારાજ, આપના વચને નભને પણ નમાવવા તૈયાર છું! બોલો શી શરત?’
‘તો સાંભળો દરબાર!’ ઘોડા પર વિરાજેલા શ્રીજીએ તેને ઈશારો કરી નજીક બોલાવ્‍યા. કોઈ સાંભળે નહીં તેમ શ્રીજીએ તેમના પાપના પડળને ચીરતાં કહ્યું, ‘પાલિતાણાના જૈન દેરાસરમાંથી તમે જે સંભવનાથનો તિલકમણિ ચોરેલો છે તે તમે પાછો આપી દો!’
આ તિલકમણિની ચોરીથી સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયેલો. અંગ્રેજ સરકારે તે તિલકમણિની પુનઃપ્રાપ્તિ માટે તે સમયના દશ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરેલું. કુશળ અંગ્રેજો પણ તિલકમણિની શોધ કરી ન શક્‍યા! છેવટે મણિ ખોવાયાની એક ટૂંકી નોંધ સાથે શોધખોળ પર વીંટો વાળીદીધેલો!
મણિનો ચોર પોતે છે તે વાતની કોઈને જ ખબર નો’તી. પણ અંતર્યામીપણે ઉચ્‍ચારાયેલા શબ્‍દોથી શાર્દૂલને વજ્રઘાતનો અનુભવ થયો. શ્રીજીની શરતથી બંધાયેલા શાર્દૂલ પરસેવાથી રેબઝેબ થઈ ગયા. શરમથી તેઓ ઝુકી ગયા. આનું પરિણામ હતું આજીવન કેદ અથવા ગળે ફાંસો. પણ શાર્દૂલ સિંહ જેનું નામ તે પાછા પડે તેમ નો’તા. શ્રીજીના વચને પ્રાણની આહુતિ આપવા શાર્દૂલ તૈયાર થઈ ગયા!
શરતમંજૂરની સંમતિ મળતાં જ શ્રીજીએ મોણપુર તરફ ઘોડાનું ચોકડું મરોડયું. શ્રીજીના એ ભોજનમાં આજે સંતોષની મધુરપ રેલાતી હતી.
હવે તો શાર્દૂલ શરતનું પાલન કરવા અધીરા બન્‍યા. તેમણે કહ્યું, ‘મહારાજ આજની રાત અહીં રોકાઈ જાવ. મહુવે જઈ હું અંગ્રેજ અમલદારને મણિ સોંપી આવું!’
‘મણિ સોંપીને પાછાં વળવું’ એ કેટલું શક્‍ય હતું તે તો અંગ્રેજ અમલદાર પર આધારિત હતું! ‘અમે મહુવાના રસ્‍તે એક આહીર ભક્‍તને નેસમાં રાત રહેવાનું વિચાર્યું છે, શક્‍ય હોય તો કાલે ત્‍યાં આવજો.’ એમ કહી શ્રીજીએ મહુવાનો માર્ગ પકડયો.
મોડી રાત્રે સોનાની ડબ્‍બીમાં ત્રીસ વર્ષથી સાચવેલા એ મણિને બંડીના અંદરના ખીસામાં મૂકી મારતે ઘોડે દરબાર અંગ્રેજ અમલદારના બંગલે પહોંચ્‍યા. તે વખતે મહુવા પ્રાંતના અધિકારી તરીકે મી. મિલ હતા. સિક્‍યુરિટી ગાર્ડે શયનખંડમાંસૂતેલાં એ અમલદારને હળવેકથી દરવાજો ખોલી શાર્દૂલ ખસિયાનું આગમન જણાવ્‍યું. મિલ સાહેબે સફાળા ઉઠી ફાનસના અજવાળે એ રાજવી શાર્દૂલને આવકાર્યા.
શાર્દૂલજીના આગમનનું કારણ જાણી મિલ સાહેબની આંખ પહોળી થઈ ગઈ. ‘દરબાર, આ માટેની સજા તો તમને ખબર છે ને?’ પોતાનાં ભૂખરી દાઢી પર હાથ ફેરવતાં એ અંગ્રેજ અમલદાર બોલ્‍યા.
‘લ્‍યો આ અમાનત! અને ફરમાવો સજા!’ સામે ચાલી મોતના મુખમાં આવતાં આ દરબારની ચાલમાં પોતે ન ફસાય જાય તેમ ખૂબ સાવચેતીપૂર્વક અમલદારે વિગત પૂછી.
શાર્દૂલે વિગતથી આખો પ્રસંગ ચિત્રાત્‍મક રીતે રજૂ કર્યો. મણિ ચોર્યાની હકીકતથી મી. મિલ આヘર્યમૂઢ બની ગયા. પોતાની હથેળીમાં સંભવનાથનો એ તિલકમણિ ફાનસના અજવાળે ઝળહળતો હતો. પણ એનાથી વધુ, સૂર્યને પણ ઝાંખો પાડી દે તેવી ભગવાન સ્‍વામિનારાયણની પ્રતિભાની પ્રભાનો ચંદરવો એ અંગ્રેજના હૃદયને પ્રકાશી કરી ગયો.
બીજે દિવસે પેલાં આહીર ભક્‍તમાં નેસમાં જઈ શાર્દૂલ અને મી. મિલ શ્રીજીના દર્શને ગયા. શ્રીજીની દિવ્‍ય પ્રભાવથી તે અંગ્રેજે શાર્દૂલનો ગુનો માફ કરી, સજામાંથી મુક્‍તિ આપી દીધી!
શુદ્ધ સંસ્‍કારની નિર્મળી છાંટી, પોતાના આશ્રિતોને જીવનનું ગૌરવ બક્ષનાર ભગવાન સ્‍વામિનારાયણની એ અભયમુદ્રા મિલ સાહેબના અંતરમાં કંડારાઈ ગઈ, કહોને કે જીવનનું સંભારણુંબની ગઈ!

Related posts

સંઘપ્રદેશના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે ધો.10 -અને 1રના વિદ્યાર્થીઓનો હોંસલો બુલંદ કરતા ઉચ્‍ચ અધિકારીઓ

vartmanpravah

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

vartmanpravah

Leave a Comment