(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં દમણ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ અને જનજાતિય ગૌરવ દિવસનું આયોજન આજે 15મી નવેમ્બર, 2024ના રોજ બિરસા મુંડા ચોક ઝરી મોટી દમણ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજન જનજાતિય સમુદાયની ઉચ્ચ સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસને સમર્પિત કરાયો હતો.
આ પ્રસંગે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ, દમણના ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ જિ.પં.ના કચીગામ વિભાગના સભ્ય અને દમણ જિલ્લા ધોડીયા સમાજના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ ફકીરભાઈ ધોડી, દમણ જિ.પં.ના આંટિયાવાડ વિસ્તારના જિ.પં. સભ્ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને અને જનજાતિય સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિએ પોતાના સ્વાગત વક્તવ્યમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને ચોથા જનજાતિય ગૌરવ દિવસની બાબતમાં પ્રકાશ પાડયો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે મોદી સરકારના આગમન બાદ 10 વર્ષમાં આદિવાસીઓના કલ્યાણ માટે કરેલા વિવિધ કાર્યોની રૂપરેખા સમજાવી હતી અને ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓના સંગઠન માટે કરેલા કામોને આત્મસાત કરવા જણાવ્યું હતું.
શ્રી દીપેશભાઈ ટંડેલે એકલવ્ય આદિવાસી મોડેલ સ્કૂલનું દૃષ્ટાંત આપતા જણાવ્યું હતું કે, આવતા 10 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલ શૈક્ષણિક ક્રાંતિનું ફળ દેખાતું થશે.
આ પ્રસંગે દમણ અને દીવના સાંસદ શ્રીઉમેશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દમણ અને દીવમાં કોળી પટેલ બાદ સૌથી વધુ વસતી આદિવાસી સમાજની છે. તેમણે આદિવાસી સમાજને એકજૂથ થવા અપીલ કરી હતી.
આર.એસ.એસ.ના દમણ પ્રાંતના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન-કવન ઉપર પ્રકાશ પાડયો હતો. દમણ જિલ્લા આદિવાસી સમાજના અધ્યક્ષ શ્રી ધીરૂભાઈ હળપતિએ દમણ-દીવમાં આદિવાસી સમાજની સ્થિતિ અને સમસ્યા અંગે વિસ્તારથી ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને તેમનું સંબોધન નિહાળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય પરીક્ષણ શિબિર, આધાર કાર્ડ કેન્દ્ર, સ્વયં સહાયતા જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ જેવી સવલતો પણ રાખવામાં આવી હતી.