(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.17: ગુજરાત રાજ્યની 70 જેટલી નગરપાલિકાઓમાં છેલ્લા બે વર્ષથી સમય આવરધા પૂર્ણ થતા આ તમામ નગરપાલિકાઓમાં વહીવટદાર દ્વારા સંચાલન થઈ રહ્યું છે. પરંતુ હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાઓના વિવિધ વોર્ડની બેઠકોની ફાળવણી અંગેનું જાહેરનામું બહાર પાડતા હવે ટૂંકમાં જ ચૂંટણી યોજાશે એવું લાગી રહ્યું છે જેને લઇ ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂકયા છે.
પારડી નગરપાલિકામાં ચૂંટણી આયોગ દ્વારા આ વખતે નગરપાલિકાના સાત વોર્ડ પૈકી બે નંબરના બોર્ડમાં બે જેટલા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં અનુસૂચિત જાતિ (એસ.સી)ની બેઠક જે પુરુષોની હતી તેની જગ્યાએ મહિલા અનામત તરીકે ફાળવવામાં આવી છે તેવી જ રીતે અનુસૂચિત આદિજાતિ(એસ.ટી) મહિલાની બેઠક હવે અનામત કે બિન અનામત થતાં એસ.ટી પુરુષો માટેનો માર્ગ ખુલ્લો થયો છે તેવી જ રીતે ઓબીસી એટલે કે પછાત વર્ગની 27% અનામત થતા પાંચ સીટોની ફાળવણી પૈકી વોર્ડ નંબર એક અને ચારમાં મહિલા અનામત અને ત્રણ, પાંચ અને સાત નંબરના વોર્ડમાં અનામત કે બિન અનામત તરીકે ફાળવવામાં આવતા ઓબીસી પુરુષો માટેની ત્રણ બેઠકો મળી કુલ પાંચ બેઠકો ઓબીસી વર્ગને ફાળવવામાં આવી છે. આમ એસ.સી મહિલાની એક સીટ, એસ.ટી.ની આઠ સીટો અને ઓ.બી.સી.ની પાંચ સીટો અને 14 સીટો સામાન્ય મળી કુલ સાત વોર્ડમાં 28 સીટોની ફાળવણી કરવામાં આવી છે જેમાં 14 મહિલા અને 14 પુરુષો માટેની સીટો હશે.