સંઘપ્રદેશમાં જનજાતિય સમુદાયના દિકરા-દિકરીઓ પણ ડોક્ટર બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે
સરપંચ મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતિય સમુદાયના સર્વાંગી કલ્યાણ માટે શરૂ કરેલ પ્રધાનમંત્રી જન મન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનની આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની વિવિધસ્કૂલોમાં ઉજવવામાં આવી રહેલા જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત આજે દમણવાડાની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ-ઈંગ્લિશ મીડિયમમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીના મુખ્ય અતિથિ પદે જનજાતિય સમુદાયની સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રભાવના સંદર્ભમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભગવાન બિરસા મુંડાના યોગદાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં જનજાતિય સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં પ્રધાનમંત્રી જન મન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનનો ઉલ્લેખ કરી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોથી શિક્ષણના ક્ષેત્રે આદિવાસી સમાજના લાભ માટે શરૂ કરાયેલ વિવિધ શૈક્ષણિક સંસાધનોની પણ જાણકારી આપી હતી. તેમણે દાદરા નગર હવેલીની એકલવ્ય મોડેલ સ્કૂલ, નમો મેડિકલ કોલેજ, એન્જિનિયરીંગ કોલેજ, ફેશન ડિઝાઈનિંગ માટે નિફટ, હોટલ મેનેજમેન્ટ, કાયદા માટે જીએનએલયુની પણ વિદ્યાર્થીઓને જાણકારીઆપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના 100 કરતા વધુ દિકરા-દિકરીઓ 2019થી સેલવાસ ખાતે નમો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બની રહ્યા છે. જે એક ગરીબ સમાજ માટે નાનીસૂની ઘટના નહીં હોવાનું જણાવ્યું હતું. કારણ કે, દરેક મા-બાપને પોતાના દિકરા-દિકરી ડોક્ટર બને એવું સૌથી પહેલાં સપનુ રહે છે.
આ પ્રસંગે દમણવાડા હાયર સેકન્ડરી સ્કૂલ, ઈંગ્લિશ મિડિયમના પ્રિન્સિપાલ શ્રી હરેન્દ્ર પાઠકે ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસને જનજાતિય ગૌરવ દિવસ મનાવવાના સરકારના પ્રયાસનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, આપણે દરેકે એક અને નેક બની સમાજમાં સમરસતા લાવવા માટે કામ કરવાનું છે. તેમણે આદિવાસી સમાજની સંસ્કૃતિથી પરિચિત થવાનું પણ આ યોગ્ય પ્લેટફોર્મ હોવાનું વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.