મોક ડ્રીલના આયોજનથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આપત્તિ વ્યવસ્થાપન અંગેના પ્રયાસોને વધુ મજબૂત કરતા તમામ એજન્સીઓની સંયુક્ત પ્રતિક્રિયાની થયેલી ઓળખઃ પ્રદેશના નાગરિકોને જાગૃત કરવાનું પણ થયેલું મહત્ત્વનું કામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે પ્રદેશ સ્તરીય રાસાયણિક આપત્તિ અનેદરિયા કિનારાની સફાર(શોરલાઈન ક્લીન-અપ) પર દમણમાં એક વ્યાપક મૉક અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારી (DDDMA)દ્વારા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારી(NDMA) અને જિલ્લા સ્તરીય હિતધારકોના સહયોગથી યોજવામાં આવી હતી.
આ મૉક અભ્યાસનો ઉદ્દેશ્ય રાસાયણિક આપત્તિ અને ઓઈલ ગળતર જેવી પરિસ્થિતિઓમાં આપત્તિ વ્યવસ્થાપન દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા અને સમુદ્ર કિનારા વિસ્તારમાં ઓઈલ ઢોળાવા જેવા પડકારોનો સામનો કરવાના હેતુથી સંકલિત કાર્યવાહીને સુનિヘતિ કરવાનો હતો.
આ મૉક ડ્રીલ દરમિયાન એક કાલ્પનિક ઘટનાને દર્શાવવામાં આવી હતી, જેમાં રાસાયણિક ગળતર અને દરિયા કિનારે ફેલાયેલા તેલના કારણે પર્યાવરણ અને મનુષ્ય સહિત જીવજંતુ ઉપર સંકટની સ્થિતિ ઉભી થઈ હતી. આ અભ્યાસમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારી(NDMA) અને રાષ્ટ્રીય આપત્તિ મુક્તિ બળ(NDRF)ની નિષ્ણાત ટીમોએ રાસાયણિક આપત્તિ નિયંત્રણ, પ્રભાવિત વિસ્તારોની ઓળખ, લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને કાંઠાવિસ્તારની સ્વચ્છતાનું પ્રદર્શન કર્યું હતું. આ અવસરે પોલીસ, કોસ્ટગાર્ડ, અગ્શિમન સેવા, આરોગ્ય વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, માહિતી અને પ્રસાર વિભાગ, નગરપાલિકા, વન વિભાગ અને અન્યસ્થાનિક એજન્સીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.
આ અવસરે દમણના ડેપ્યુટી કલેક્ટર(સામાન્ય) શ્રીમતી આરતી અગ્રવાલને જણાવ્યું હતું કે, ‘‘આ મૉક અભ્યાસ’ આપણી આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત કરે છે અને વિવિધ એજન્સીઓ વચ્ચે સારો સમન્વય નક્કી કરે છે. એવી આપત્તિઓ સમયે તત્પરતાની સાથે કાર્યવાહી કરવા માટે આ એક જરૂરી પગલું છે. રાસાયણિક આપત્તિ અને ઓઈલ ઢોળાવા જેવી ઘટનાઓ પર્યાવરણ અને માનવી માટે ગંભીર સંકટ પેદા કરી શકે છે. તેથી આવા અભ્યાસો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન દળોની ક્ષમતાનું મૂલ્યાંકન થાય છે અને તેમને ઔર વધુ કુશળ બનાવે છે.”
આ મૉક ડ્રીલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આપત્તિ વ્યવસ્થાપન અંગેના પ્રયાસોને વધુ મજબૂત કરતા તમામ એજન્સીઓની સંયુક્ત પ્રતિક્રિયાની ઓળખ કરવામાં આવી અને પ્રદેશના નાગરિકોને જાગૃત કરવાનું પણ મહત્ત્વનું કામ કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં એન.ડી.આર.એફ. દ્વારા દેશભરમાં દર વર્ષે આવી રીતે મૉક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા આપત્તિની પરિસ્થિતિનો સામનો કરી શકાય.
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સિલિ ગામે આવેલ કે.એલ.જે.ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નરોલી, સવિતા ઓઈલ ટેક્નોલોજી લિમિટેડ ખરડપાડામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોક ડ્રીલમાં એન.ડી.આર.એફ. ટીમ, આર્મીની નેવેલ ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર ટીમ, ફાયર, મેડિકલ સહિત અન્ય વિભાગોઓ મોક ડ્રલીમાં ભાગ લીધો હતો.
દાનહ વહીવટીતંત્ર અને નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી અને ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે સિલિ ગામ સ્થિત કે.એલ.જે. કંપની જે ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલનું ઉત્પાદન કરે છે, એના રીએક્ટરમાં બ્લાસ્ટ થતાં આ અંગે ઓફ સાઈટ ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીમાં બ્લાસ્ટ થવાથી 25કામદાર ફસાઈ ગયા હતા, એમને બેભાન હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 5 જેટલા ફાયરના જવાનોને પણ રેસ્ક્યુ કરી મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. મોક અભ્યાસ ઇન્સિડેન્ટ રિસ્પોન્સ સિસ્ટમના સિદ્ધાંત પર આયોજીત કરવામાં આવ્યો હતો, જે સ્પષ્ટ રૂપે ઇમરજન્સી દરમ્યાન આપત્તિ સમયે પ્રશાસનના અધિકારીઓ દ્વારા પગલાં લેવાની આવશ્યકતા હોય છે. દરેક ઉદ્યોગોના પરિદ્રશ્યમાં ઉદ્યોગોના રાસાયણિક એકમના રીએક્ટરમાં ભંગાણ, તૂટીને વિસ્ફોટ અને વિસ્ફોટના કારણે રાસાયણિક આપત્તિ સામેલ હતી.
આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા પી.એચ.સી. કિલવણી અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, સેલવાસમાં પણ પરિશોધન કેન્દ્ર સ્થાપિત કરી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આ મોકડ્રીલમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર જવાબદાર અધિકારી હતા. નાયબ કલેક્ટર શ્રી અમિત કુમાર કે.એલ.જે. કંપનીના ઇન્સિડેન્ટ કમાન્ડર હતા. આર.ડી.સી. ખાનવેલ શ્રી પિયુષ કુમાર ઇમરજન્સી સંચાલન કેન્દ્ર માટે ઇન્સિડેન્ટ કમાન્ડર હતા જ્યારે જિલ્લા પંચાયત મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરુણ કુમાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સંગ્રામ સિંદેએ ખરડપાડા ખાતે ઇન્સિડેન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવી હતી.