(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના દપાડા ગ્રામ પંચાયતના સહયોગથી સરકારી બાલગૃહમાં ‘બાળસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમનો શુભારંભ મુખ્ય અતિથિના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
સરકારી બાલગૃહમાં આયોજીત ‘બાળસભા’માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબે બાળકોને આરોગ્ય સંબંધિત વિસ્તૃત જાણકારી આપી હતી. જિલ્લા પંચાયત સભ્યશ્રીએ ‘બાળસભા’ શા માટે આયોજીત કરવામાં આવે? એ વિષય ઉપર જાણકારી આપી હતી. જ્યારે પંચાયત મંત્રીશ્રીએ બાળકોની કોઈપણ સમસ્યાને કેવી રીતે હલ કરી શકાય? સાથે બાળ અધિકારો, બાળ વિવાહ રોકવા અને આ વિસ્તારમાં બાળ મજૂરીને સમાપ્ત કરવા અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે બાળગૃહના અધિક્ષકશ્રીએ જણાવ્યું હતું કે, ‘બાળસભા’ના માધ્યમથી પ્રદેશના બાળકોની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ મળે છે અને જરૂરિયાતમંદ બાળકોની આવશ્યકતાઓ પુર્ણ કરવા આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
આ અવસરે ગામના સરપંચશ્રી, વિભાગના જિલ્લા પંચાયત સભ્યશ્રી, પંચાયત સભ્યો, એકલવ્ય શાળાના આચાર્યશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને બાળગૃહના અધિક્ષક તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.