15 દિવસ બાદ ગમે તે ક્ષણે બુલડોઝર બિલ્ડીંગો ઉપર ત્રાટકવા સજ્જ થશેઃગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે જિલ્લા પ્રશાસનની સખત કાર્યવાહીનો સંકેત
ધર્મિશા પાર્કના 44 ફલેટ અને દાભેલનું જી સિનેમા સીલઃ 15 દિવસમાં ભાડૂઆતોને પોતાના ફલેટ ખાલી કરી આપવા જિલ્લા પ્રશાસને આપેલો આદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણ જિલ્લા પ્રશાસને બાંધકામના નીતિ-નિયમોની સરેઆમ અવહેલના કરી તાણી બાંધેલ ગેરકાયદે બિલ્ડીંગો-ઈમારતો સામે દાખલો બેસે તેવા પગલાં ભરવાની શરૂઆત કરી છે. જેમાં પ્રારંભમાં દમણના દાભેલ ખાતે ગુલાબભાઈ પટેલ પરિવારની અડધો ડઝન જેટલી ગેરકાયદે બિલ્ડીંગો સામે જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહીનો આરંભ કર્યો છે.
દમણ જિલ્લા પ્રશાસન દ્વારા જારી કરાયેલ અખબારી યાદીમાં જણાવાયું છે કે, દમણ જિલ્લા પ્રશાસને ગેરકાયદે બાંધકામો સામે સખત વલણ અપનાવી વિવિધ સ્થળો ઉપર ગેરકાયદે બાંધકામો અને નિર્માણ સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. જેમાં અલગ અલગ જગ્યાએ નિર્માણ પામેલ ઈમારતોના ડિમોલીશન માટે છ(6) નોટિસ આપવામાં આવી છે.
જિલ્લા પ્રશાસન દ્વારા જારી નોટિસમાં મુખ્ય રૂપથીધર્મિશા પાર્ક સ્થિત ચારથી વધુ નાના-મોટા ગેરકાયદે બિલ્ડીંગ, જી સિનેમા તથા તેની સામે આવેલ બે બિલ્ડીંગોનો સમાવેશ થાય છે.
ધર્મિશા પાર્ક વિસ્તારમાં આવેલ 4 મોટા અને 3 નાના ગેરકાયદે બાંધકામોમાંથી બે મોટા બાંધકામને પુરી રીતે ધ્વંસ્ત કરવા, બે અન્ય મોટી બિલ્ડીંગોના ગેરકાયદે હિસ્સાને તોડવા અને ત્રણ નાના નિર્માણનું ડિમોલીશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
દરમિયાન ધર્મિશા પાર્ક ખાતે આ અવૈધ નિર્માણોમાં 40થી વધુ ફલેટ/રૂમને તાત્કાલિક પ્રભાવથી સીલ કરવામાં આવ્યા છે અને જેઓ ભાડુઆત તરીકે રહી રહ્યા છે તેમને 15 દિવસની અંદર પોતાનું આવાસ ખાલી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી ગેરકાયદે બાંધકામોને કાયદેસર પ્રક્રિયાના અનુરૂપ તોડવાની કાર્યવાહી થઈ શકે.
જી સિનેમા બિલ્ડીંગમાં અવૈધ રૂપથી સંચાલિત કોમર્શિયલ ગતિવિધિઓને બંધ કરાવી બિલ્ડીંગને પણ સીલ કરવામાં આવી છે. દમણ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ સખત કાર્યવાહીથી પ્રશાસન હવે ગેરકાયદે બાંધકામને બર્દાસ્ત નહીં કરશે અને આવી બાબતોમાં પ્રશાસન કોઈની સાડાબારી નહીં રાખે એવો સ્પષ્ટ સંદેશ પણ વહેતો થયો છે.
સંઘપ્રદેશ પ્રશાસનમાં ‘દેર છે પણ અંધેર નથી’: લાંબા સમયથી ચાલેલી પગલાં ભરવાની વાત છેવટે હકીકત બની રહીછે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણ જિલ્લામાં શ્રી ગુલાબભાઈ પટેલનું નામ ખુબ જ આદરથી લેવામાં આવે છે. તેમનો માન અને મોભો પણ હંમેશા ઊંચો રહ્યો છે. તેમનો પ્રભાવ ફક્ત દાભેલ જ નહીં પરંતુ સમગ્ર દમણ જિલ્લામાં પણ અસરકારક રીતે પડતો રહે છે.
એક સમયે દાભેલની ગણતરી દમણ અને દીવની રાજકીય રાજધાની તરીકે થતી હતી. કારણ કે, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તથા સત્તાધારી પાર્ટીના પ્રમુખ પણ દાભેલથી અથવા દાભેલ દ્વારા નામિત જ રહેતા હતા. તેમાં એક આગેવાન તરીકે શ્રી ગુલાબભાઈ પટેલની ભૂમિકા પણ ખુબ જ નિર્ણાયક અને મહત્ત્વની રહેતી હતી.
શ્રી ગુલાબભાઈ પટેલે પોતાની નાસમજ અથવા રાજકીય પ્રભાવથી એગ્રીકલ્ચર જમીન ઉપર એન.એ. કરાવવા વગર અને પ્લાન પાસ કર્યા વિના બે બે મોટી બિલ્ડીંગો તાણી બાંધી હતી. દમણ જિલ્લામાં શ્રી ગુલાબભાઈ પટેલ એકમાત્ર નથી. એવા ઘણાં આગેવાનો છે કે જેમણે સરકારી તંત્રની પરવાહ કર્યા વગર પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે દમણ જિલ્લા પ્રશાસને એક મહિના પહેલાં આ ગેરકાયદે ઈમારતમાં રહેતા લોકોને 30 દિવસની અંદર ફલેટ/રૂમ ખાલી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. પ્રશાસન દ્વારા બિલ્ડીંગ ઉપર નોટિસ પણ ચોંટાડવામાં આવી હતી. આજેજ્યારે પ્રશાસનના અધિકારીઓ આ બે ગેરકાયદે બિલ્ડીંગને સીલ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમાં રહેતા ભાડુઆતોમાં સન્નાટો છવાઈ ગયો હતો. પ્રશાસને ખાલી પડેલા 44 ફલેટોને તાત્કાલિક સીલ કર્યા હતા અને જે ફલેટોમાં લોકો અત્યારે પણ રહી રહ્યા છે તેમના ઉપર માનવીય અને સંવેદનશીલ અભિગમ અપનાવી પ્રશાસને 15 દિવસની અંદર પોતપોતાના ફલેટ ખાલી કરવા આદેશ આપ્યો છે. ત્યારબાદ એગ્રીકલ્ચર લેન્ડ ઉપર બનાવવામાં આવેલ બંને ઈમારતોના ડિમોલીશન માટેનો માર્ગ મોકળો થશે.
ગુલાબભાઈ પટેલે પોતાના જી સિનેમાને પણ મિનિ ફેક્ટરી અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉપલબ્ધ કરાવી દીધો હતો જે નિયમના વિરૂદ્ધ હોવાથી પ્રશાસને તાત્કાલિક પ્રભાવથી જી સિનેમાને પણ સીલ કર્યું છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ પ્રશાસને ગેરકાયદે બાંધકામો સામે પોતાના સખત વલણનો નિર્દેશ ખુબ લાંબા સમય પહેલાં આપી દીધો હતો. પરંતુ નિર્ણય લેવામાં થયેલા વિલંબના કારણે ગેરકાયદે બાંધકામ ધારકો ગેલમાં હતા અને ભૂતકાળમાં જે રીતે અધિકારીઓ દ્વારા ‘મેનેજ’ થતું હતું તે રીતે હવે પણ થઈ જશે એવી ખુમારીમાં રહ્યા હતા, પરંતુ સંઘપ્રદેશ પ્રશાસનમાં ‘દેર છે પરંતુ અંધેર નહીં’ હોવાની વાત આજે સાચી પડતી દેખાય છે.