(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.08: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારેભીડ ઉમટી પડી હતી. હવેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. હર હર મહાદેવના નાદ સાથે મહાદેવના મંદિરે ભક્તો દ્વારા પૂજા-અર્ચના અને જળાભિષેક કરાયો હતો.
આ પ્રસંગે દમણમાં દલવાડાના બાસુકીનાથ મહાદેવ, કચીગામના કંઠેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, કુંતેશ્વર, તથા દાદરા નગર હવેલીમાં પણ વિવિધ શિવાલયોમાં ભક્તોએ શિવજીની પૂજા-અર્ચના સાથે જળાભિષેક કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. જેમાં બિન્દ્રાબિનના તડકેશ્વર મહાદેવ મંદિરે ખાસ વિશેષ પૂજા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો ભક્તોએ લાભ લીધો હતો.
દાદરા ખાતેના જ્યોતિશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિક ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દાદરા ખાતેનું એકમાત્ર એવું શિવ મંદિર છે કે, જ્યાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ભક્તો માટે પૂજા તથા પાણી, મહાપ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં સવારથી જ ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ લાભ લીધો અને સાંજે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યુંહતું.